વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી રાજકોટ બેઠક પરથી લડશે એવી રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને આ ચર્ચા જાગે તે માટેનાં ઘણા પરીબળો રાજકોટમાં આકાર પામી રહ્યા છે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રનાં પાટનગર ગણાતા રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અસામાન્ય રીતે વિકાસ કાર્યોનાં કામ હાથ ધરાયા છે. આ સિવાય, સ્થાનિક રાજકીય સમીકરણોએ પણ આ બેઠકને સલામત બેઠક બનાવી છે.
રાજકોટ લોકસભા બેઠક પરંપરાગત રીતે ભાજપની સલામત બેઠક ગણાય છે. ૧૯૮૯ પછી ભાજપ માત્ર એક જ વખત (૨૦૦૯માં) આ બેઠક હાર્યુ છે અને તેના માટે ઉમેદવાર પ્રત્યને સ્થાનિક કાર્યકરોની નારાજગી જવાબદાર રહી હતી. ૨૦૧૪નાં ભાજપનાં ઉમેદવાર મોહન કુંડારિયા આ બેઠક પરથી ૩૫.૪૫ % મતોનાં તફાવતથી જીત્યા હતા. વળી, કોંગ્રેસનાં મજબૂત નેતા અને કોળી આગેવાન કુંવરજી બાવળીયા હવે ભાજપમાં જોડાય ગયા છે અને વિજય રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી છે. કુંવરજી બાવળીયા ભાજપમાં આવતા આ બેઠક હતી તેના કરતાંય વધારે મજબૂત બની તેમ રાજકીય વિશ્લેષકો માની રહ્યાં છે.
રાજકોટ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, જસદણ, ટંકારા અને વાંકાનેર બેઠક. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ચાર બેઠકો અને કોંગ્રેસ ત્રણ બેઠકો (જસદણ, ટંકારા, વાંકાનેર) જીત્યુ હતું. જો કે, કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપ જીત્યુ છે.