ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કઢાયેલી એકતા યાત્રાનું ગાંધીનગર જિલ્લામાં આગમન થતા અલ્પેશ ઠાકોરનું ઠેરઠેર સ્વાગત થયું હતું.
જોકે, આ યાત્રામાં કેટલાક પાકીટ ચોરો પણ ઘૂસી ગયા હતા જેઓએ ભીડનો લાભ લઈને ૨૦થી વધુ કાર્યકર્તાઓના પાકીટ સેરવી લીધાની બૂમ ઉઠી હતી. આ ચોરોએ પાકીટમાંથી પૈસા કાઢીને યાત્રાના રૂટ ઉપર જ પાકીટ ફેંકી દીધા હતા, આવા ફેંકી દેવાયેલા બે પાકીટ પણ મળી આવ્યા છે. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
ગાંધીનગર જિલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત એકતા યાત્રામાં કલોલથી ડભોડા સુધી સંખ્યાબંધ કાર્યકર્તાઓના પાકીટ ચોરાયા હતા.
રાંધેજા ગામનાં ૫ કાર્યકર્તા, અલમપુર ગામના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ સોલંકી ચીનુજી રમણજી સહિત ગામના ચાર કાર્યકરોના પાકીટ ચોરાયા હતા. ચિલોડાના જયંતીભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ સોલંકી અને ચિન્ટુભાઈ ઠાકોર મળીને ૩ કાર્યકર્તાઓના પાકીટ ચોરાયા હતા.
પાકીટ મારોએ કુલ ૨૦થી વધુ કાર્યકર્તાના પાકીટ મારી લીધા હોવાની સામે આવ્યું છે. ચોરો પાકીટની અંદરથી રૂપિયા કાઢી લઈને રસ્તામાં જ ફેંકી દીધા હતા.