સિક્સલેન રોડની યોજનામાં કપાતા વૃક્ષોને બચાવવા આંદોલન છેડાશે

603

ગાંધીનગરથી અમદાવાદ સુધીને ચિલોડા સરખેજ હાઇવેને સિક્સલેન કરવાની યોજના અંતર્ગત ૨૦ હજાર જેટલા વૃક્ષો કાપવાનું અનિવાર્ય બને તેમ છે અને તેના સંબંધિ કામગીરી ચાલુ કરી દેવાઇ છે. ત્યારે આ વૃક્ષોને બચાવવા માટે આંદોલન છેડવાની ચિમકી પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અપાઇ છે.

મંગળવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ વાત કરાઇ હતી. સાથે જણાવાયુ હતું કે ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૪.૫૦ જેટલા વક્ષોને બચાવી લેવા માટે ગત જુલાઇમાં મુખ્યમંત્રીને આવદન પાઠવીને રજૂઆત કરાયા પછી કોઇ પરિણામ મળ્યું નથી. ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર અને ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચે જણાવ્યું કે ગાંધીનગર કલેક્ટર એસ કે લાંગા અને અધિક નિવાસી કલેક્ટર એચ એમ જાડેજા બન્નેને મળીને આવેદનપત્ર પાઠવવાની સાથે ગાંધીનગરની ગ્રીનરીને બચાવી લેવા માટે વિનંતી કરવામાં આવી છે.

પાટનગરમાં મહાત્મા મંદિરથી વિધાનસભા સુધીના સ્વર્ણિમ પાર્કને વિધાનસભાની પાછળથી નદી પાર સુધી લઇ જવાની અને પુનિતવન પાછળ પંચામૃત ભવન બાંધવાની યોજના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હતી. તેમાં હજ્જારો વૃક્ષો કપાય તેમ હતા અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા તેને બચાવવા આંદોલન ચલાવતા આખરે તત્કાલીન મુખ્યમંત્રી પદ્દેથી આનંદિબેન પટેલ દ્વારા વર્ષ ૨૦૧૫માં યોજના પડતી મુકીને વૃક્ષોને બચાવી લેવા માટેનો ઉમદા નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગાંધીનગરના નગર આગેવાન અરૂણભાઇ બુચે જણાવ્યું કે સિક્સલેન માર્ગ કરવા માટે જરૂરી હોવા ઉપરાંત વધુ જગ્યામાંથી વૃક્ષોને હટાવવામાં આવી રહ્યાં છે અને ટ્રી રીટ્રાન્સપ્લાન્ટના નામે તો કંઇ જ કરવામાં આવી રહ્યું નથી. વૃક્ષોને બચાવીને વિકાસના કામની યોજનાઓ કરવાનું પર્યાવરણ સુરક્ષા માટે અનિવાર્ય બની રહે છે.

Previous articleઆશાબેન પટેલ નહીં ઘરના કે નહીં ઘાટના, ભાજપમાં એન્ટ્રી અટકી-કોંગ્રેસ પાછા લેવા તૈયાર નથી
Next article૨૦૧૯થી સામાન્ય વર્ગના ગરીબોને ૧૦ ટકા અનામતનો લાભ મળશે : રપ ટકા બેઠક વધશે