ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી ખુબ જ પડકારરુપ છે જેમાં એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી બાજુ બાકીના તમામ લોકો રહેશે. ભાજપના બુથ વર્કરોની બેઠકને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે, ભાજપે ઉત્તરપ્રદેશમાં ગુંડાઓથી મુક્તિ મેળવવાની દિશામાં ઉલ્લેખનીય સફળતા મેળવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યમાં જમીન માફિયાઓની સમસ્યાને ઉકેલવામાં સફળ રહ્યા છે. વડાપ્રધાન તરીકે મોદી મુખ્યમંત્રી તરીકે યોગી ખુબ સફળ પુરવાર થઇ રહ્યા છે. આ સામાન્ય ચૂંટણી મોદી વિરુદ્ધ તમામની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં પણ આવી જ સ્થિતિ રહેનાર છે. ભાજપના વડાએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ગુંડાઓ યોગી આદિત્યનાથથી ભયભીત થઇ ગયા છે. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે, રાજ્યમાં યોગી આદિત્યનાથ સરકાર આવ્યા બાદથી ગુનાઓ અંકુશ હેઠળ છે. સપા અને બસપા વચ્ચે ગઠબંધનની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે, બુઆ ભતીજાની દુકાન પર ભાજપના કાર્યકરો અલીગઢના તાળા લગાવી દેશે. સાથે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં ૭૪થી વધુ સીટો પર વિજય મળશે.
અલીગઢ શક્તિશાળી અને મજબૂત તાળાઓ માટે જાણીતુ છે પરંતુ અલીગઢના તાળા હવે નજરે પડતા નથી. શાહે કહ્યું હતું કે, બુઆ અને ભત્રીજા એક સાથે આવી ચુક્યા છે. ત્યારે અમે ઉત્તરપ્રદેશમાં ૭૪ સીટો કઈરીતે જીતીશું તે અંગે લોકો અમને પ્રશ્ન કરે છે તેના જવાબમાં અમે કહીએ છીએ કે, પાર્ટીના કાર્યકરોના સખત પરિશ્રમથી અમે આ વખતે ૭૪ કરતા વધારે સીટો મેળવીશું. ભાજપ અન્ય રાજકીય પક્ષો કરતા અલગ પ્રકારની પાર્ટી છે જેમાં બૂથલેવલના વર્કરો સૌથી મજબૂત રહેલા છે. કોઇપણ લીડરની આમા ઓછી ભૂમિકા રહેલી છે. અમિત શાહના આ નિવેદન બાદ હરીફ પક્ષો તરફથી પણ વળતા પ્રહારો કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશ ઉપર જ તમામનું ધ્યાન કેન્દ્રિત થયેલું છે.