વાડ્રાની ઈડી દ્વારા ૫ કલાક પૂછપરછ

819

મની લોન્ડરિંગ કેસના સંબંધમાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની આજે ઇડી દ્વારા આશરે દોઢ કલાક સુધી લાંબી પુછપરછ કરવામાં આવી હતી. વાડ્રાની સાથે તેમના પત્નિ પ્રિયંકા વાડ્રા પણ ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા. જો કે, તેઓ ગેટથી જ પરત ફર્યા હતા. ઇડીની ટીમે વાડ્રાને ઘણા બધા પ્રશ્નો કર્યા હતા. શનિવારના દિવસે દિલ્હીની કોર્ટે વાડ્રાની જામીન અરજીને ફગાવી દીધા બાદ મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા તેમની ધરપકડ ઉપર ૧૬મી ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ મુકી દીધો હતો. જો કે, કોર્ટે તપાસમાં સહકાર કરવા વાડ્રાને આદેશ કર્યો હતો. ઇડીને આજની તારીખે પુછપરછ કરવાની પણ મંજુરી આપવામાં આવી હતી. વાડ્રા ૩.૪૭ વાગે ઇડીની ઓફિસમાં પહોંચી ગયા હતા. તેમના વકીલોની ટીમ પહેલાથી જ પહોંચી ગઈ હતી. આ પ્રથમ વખત બન્યું છે જ્યારે રાહુલ ગાંધીના બનેવી વાડ્રા શંકાસ્પદ લેવડદેવડના અપરાધિક આરોપના સંબંધમાં કોઇ તપાસ સંસ્થાની સમક્ષ ઉપસ્થિત થયા છે. વાડ્રાએ પહેલા એવા આક્ષેપોને રદિયો આપ્યો હતો કે, તેમની કોઇપણ પ્રકારની ગેરકાયદે સંડોવણી નથી. રાજકીય બદલા લેવાની ભાવનાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીની કોર્ટે વાડ્રાને કેન્દ્રીય તપાસ સંસ્થા સાથે સહકાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. વાડ્રાએ મામલામાં જામીન માટે કોર્ટમાં અરજી પણ કરી હતી. કોર્ટે વિદેશથી પરત ફર્યા બાદ ઇડી સમક્ષ ઉપસ્થિત થવા કહ્યું હતું.

ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર ૬૫૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦ ૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાડ્રાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું. ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગનો આ મામલો લંડન સ્થિત એક પ્રોપર્ટી સાથે જોડાયેલા છે. વાડ્રાના નજીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે. ઇડીનો દાવો છે કે, આ સંપત્તિના અસલી માલિક રોબર્ટ વાડ્રા છે. કોર્ટમાં ઇડીએ એમ પણ કહ્યું છે કે, વાડ્રા અને તેમના સાથીઓને વર્ષ ૨૦૦૯માં થયેલી પેટ્રોલિયમ સોદાબાજીમાં પણ નાણા મળ્યા હતા.

Previous articleઈસરોની વધુ એક સિદ્ધિ GSAT-31 લોન્ચ
Next articleટેક્સ રિટર્ન દાખલ કરવા માટે આધાર-પાન લિન્ક ફરજિયાત