રાજ્યમાં ઠંડીનો ચમકારો, ભારે પવન ફૂંકાયા

615

ઉત્તર ગુજરાત અને તેને સંલગ્ન રાજસ્થાનમાં ગુરૂવારે સવારે અપર એરસાયકલોનિક સરકયુલેશન જોવા મળ્યું છે અને તેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ગુરૂવારે અપર લેવલે ભેજવાળા છૂટાછવાયા વાદળો જોવા મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સંભાવના ઉભી થઈ છે.

દરિયાની સપાટીથી ૮.૯ કિલોમીટરની ઉંચાઈ પર સજાર્યેલા અપર એર સાયકલોનિક સરકયુલેશનના કારણે દરિયો તોફાની બનશે અને ચાર મીટર ઉંચા મોજા ઉછળશે તેવું અનુમાન હવામાન ખાતાએ વ્યકત કર્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પવનની ગતિ ૪૫ કિલોમીટર આસપાસની રહેશે અને માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં આજ સવારથી જ પવનની ગતિ વધી ગઈ છે. પોરબંદરમાં ૩૦, ઓખામાં ૧૬, કંડલામાં ૨૦ કિલોમીટરની ઝડપે ગુરૂવારે પવન ફૂંકાયો હતો છેલ્લા ત્રણેક દિવસથી હાડ થિજાવતી ઠંડી સામે રાહત અનુભવતાં લોકોએ ગુરૂવારે સવારે ફરીથી ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. બુધવાર કરતાં ગુરૂવારે ઠંડી બે ડિગ્રી જેટલી ઘટી હતી અને આગામી બે-ત્રણ દિવસમાં ઠંડીની તીવ્રતામાં વધારો થશે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા કરાઈ છે. કાશ્મીર સહિતના ઉત્તર ભારતમાં ફરીથી હિમવર્ષા થઈ છે. દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આમ, હવામાને અચાનક યુટર્ન લેતાં ગુરૂવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોએ ઠંડીનો હળવો ચમકારો અનુભવ્યો હતો. સ્થાનિક હવામાન વિભાગે ઠંડીના પ્રકોપમાં વધારો થવાની આગાહી કરવાની સાથે-સાથે બનાસકાંઠા જિલ્લામાં હળવો વરસાદ પડવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

બીજી તરફ ગુરૂવારે સવારથી વાતાવરણમાં ઠંડીનો અહેસાસ થવાથી નાગરિકો ગરમ કપડાંમાં જોવા મળ્યા હતા. શહેરીજનોમાં ઠંડીમાં થયેલો વધારો ચર્ચાસ્પદ બન્યો હતો. બુધવારે  ૧૪.૩ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતાં લોકોએ ઠંડી સામે હળવાશ અનુભવી હતી, પરંતુ આજે તેમાં અચાનક બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. ગુરૂવારે શહેરનું લઘુતમ તાપમાન ૧૨.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે. દરમિયાન ગુરૂવારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતાં આ શહેર રાજ્યનું સૌથી કોલ્ડેસ્ટ સિટી બન્યું છે. જ્યારે રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડીની વિગત તપાસતાં ડીસા ૧૧.૫, વડોદરા ૧૬.૪, સુરત ૧૭.૬, રાજકોટ ૧૪.૫, ભૂજ ૧૩.૬, નલિયા ૧૩.૮, અમરેલીમાં ૧૨.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Previous article‘ચાર ચાર બંગડી’ ગીત મામલે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી ટળી
Next articleગેરરીતિમાં સંડોવાયેલા ૩ અધિકારીઓ ફરજ મોકૂફ