ગેરરીતિમાં સંડોવાયેલા ૩ અધિકારીઓ ફરજ મોકૂફ

592

રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના બામણબોર અને જીવાપર ગામની ૮૦૦ એકર સરકારી જમીન ખેત જમીન ટોચમર્યાદા એ.એલ.સી.નું ખોટું અર્થઘટન કરીને ખાનગી વ્યક્તિઓને નામે કરી આપવાની ગેરરીતિ આચરવાના કેસમાં સુરેન્દ્રનગરના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર (આર.એ.સી) ચન્દ્રકાન્ત પંડ્યા, ચોટીલાના તત્કાલીન નાયબ કલેક્ટર વી. ઝેડ. ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે. એલ. ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમની તપાસ એ.સી.બી.ને કરવાના આદેશો આપ્યા છે એટલું જ નહીં આ જવાબદાર અધિકારીઓ સામે સેવા શિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી કડક પગલાં લેવાના આદેશો પણ રાજ્ય સરકારે કર્યા છે.

સુપ્રિમકોર્ટે આ બાબતે સરકારની તરફેણમાં નિર્ણય થયા છતાં, આ આદેશોનું ખોટું અર્થઘટન કરીને સુપ્રિમકોર્ટમાં પીટીશન કરનાર પીટીશનર અને અન્યોએ કરેલ રજુઆતને આધારે મામલતદાર ચોટીલાએ ટોચ મર્યાદા કેસ નં.૦૧-ર/ર૦૧પ પુનઃ ચલાવીને ચોટીલા તાલુકાના જીવાપરના સર્વે નંબર.૪૭,૮૪, બામણબોરના સર્વે નંબર.પ૯ પૈકી, ૯૮ પૈકી તેમજ ૫૯ પૈકીની ૩ર૪ એકરના અલગ અલગ યુનીટના હકકદાર મુજબ ખાનગી ઈસમોને ધારણ કરનાર ઠેરવતો ગેરકાયદે હુકમ કરેલ છે.

આ ઉ૫રાંત ઇન્ચાર્જ મામલતદાર ઘાડવીએ બામણબોરના ફાજલ જાહેર કરેલ અને સરકારી ઠેરવેલ સર્વે નંબર ૧૦૪ પૈકી ૧, ૧૦૪ પૈકી ૩ અને ૧૦૪ પૈકી ૫ની કુલ ૫ર૮ એકર જમીન પણ હાઇકોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરીને સીલીંગ કેસનો નંબર આપીને ખાનગી ઇસમોના નામે ખોટા સેલડીડના આઘારે દાખલ કરવાના ત્રણ હુકમો કરી દીધા છે. મહેસૂલ વિભાગે સરકારની આંખમાં ઘૂળ નાંખવાના પ્રયાસ સમાન ખાનગી ઇસમોના મેળાપી૫ણામાં કરવામાં આવેલ આ ગુનાહિત કૃત્યની તપાસ કરીને આ ઘટનાનો પર્દાફાશ કર્યેા છે અને તેમાં સંડોવાયેલા મહેસૂલી અઘિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યા છે.

 

Previous articleરાજ્યમાં ઠંડીનો ચમકારો, ભારે પવન ફૂંકાયા
Next articleરાજ્યમાં કાળો કહેર : ૨૦૧૯માં સ્વાઈન ફલૂના કારણે મોતનો આંકડો ૫૦ને પાર