ગાંધીનગર મહાનગર પાલિકાનું રૂ. ર૮૩.૯૪ કરોડનું ડ્રાફટ બજેટ કમિશનરે રજુ કર્યુ

741

ગાંધીનગર મહાનગર પાલિકાના કમિશનર ડૉ. રતન કંવર ગઢવીચારણે આજરોજ ગાંધીનગર મહાનગર પાલિકાનું નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ માટેનું આઠમું રૂ. ર૮૩.૯૪ કરોડનું ડ્રાફટ બજેટ સામાન્ય સભામાં રજુ કર્યું હતું. જેને મંજૂર કરવામાં આવ્યું હતું. આ સાથે નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯ નું રૂ. ર૭૩.૪ર કરોડનું રિવાઈઝ અંદાજપત્ર પણ તેમણે રજુ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ ના બજેટમાં રેવન્યુ આવક- રૂ. ૧૦ર.૩૦ કરોડ, રેવન્યુ ખર્ચ પેટે રૂ. ૭૬.ર૭ કરોડ, કેપીટલ આવક રૂ. ૬પ.પ૪ કરોડ અને કેપીટલ ખર્ચ પેટે ર૦૭.૬૭ કરોડ અંદાજવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીઓ નજીક હોવાથી અંદાજપત્ર પર પણ તેની અસરો જોવા મળી હતી. અંદાજપત્રમાં નવા કોઈપણ પ્રકારના વેરા નાંખવામાં આવ્યા નથી. જેથી લોકસભાની ચૂંટણીઓમાં મત પર કોઈ અસર પડે નહીં. મહાનગર પાલિકામાં આવેલા અર્બન સેન્ટરોમાં સુવિધાઓ જેવી કે, ઓપરેશન થીયેટર અને ખૂટતા સાધનો પેટે રૂ. ૪/- કરોડની ફાળવણી કરવામાં આવી છે. ફાયર બ્રિગેડના જરૂરી સાધનો માટે પણ રૂ. ૪/- કરોડ, પાર્કિંગની સુવિધાઓ માટે રૂ. ૩/- કરોડ ઉપરાંત મનપા વિસ્તારની શાળાઓના નવીનીકરણની કામગીરી પેટે રૂ. પ/- કરોડ, સેકટર – ૩૦ ખાતે નવા વ્હીકલ પુલ બનાવવા માટે રૂ. ર/- કરોડ આમ કુલ રૂ. ૧૪/- કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગાંધીનગરના વિવિધ સેકટરો માં આંતરિક માર્ગો ચોમાસા દરમિયાન વારંવાર તુટી જતાં તેમજ ધોવાતા હોવાથી સીમેન્ટ-કોક્રીંટના રોડ બનાવવાનું નકકી કરવામાં આવ્યું છે. જેને માટે હાલ એક કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.  પેરીફેરીના કામો માટે વધુ ચાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. સે.- ર, ૭ તથા અન્ય સેકટરોના બગીચાઓનું નવીની કરણ રૂ. ત્રણ કરોડના ખર્ચે કરવામાં આવશે. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસ બંન્નેના સભ્યોની નોંધપાત્ર ગેરહાજરી પણ જોવા મળી હતી. આગામી ૧૯ મી ફેબ્રુઆરીના રોજ ફરી સામાન્ય સભામાં અંદાજપત્ર પરના સૂચનો અને તે પરની ચર્ચા કરવામાં આવશે.

Previous articleબાપુ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ સેલ્ફ ડિફેન્સની ટેકનિક શીખી
Next articleડ્રાઇવીંગ લાયસન્સ મુદત પૂરી થયાના ૩૬૫ દિવસ પહેલાં રીન્યુ કરી શકશે