અમદાવાદ શહેરના સોળ અને ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠક મળીને કુલ એકવીસ બેઠક પર ગઇ કાલે સરેરાશ ૬૬.ર૭ ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઇવીએમ અને વીવીપેટને મોડી રાત સુધીમાં મત ગણતરી સ્થળ પર ઊભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં જમા કરી દેવાયાં છે.
હવે આગામી સોમવાર તા.૧૮ ડિસેમ્બરની સવારે આઠ વાગ્યે તમામ રાજકીય પક્ષોના ઉમેદવાર કે પ્રતિનિધિની હાજરીમાં મત ગણતરીની કામગીરી હાથ ધરાશે અને બપોરના ૧ર વાગ્યાની આસપાસ જે તે બેઠક પરના જે તે ઉમેદવારની હાર જીતના ‘ટ્રેન્ડ’ની ખબર પડી જશે.
અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયા કહે છે, જે તે બેઠકનાં કુલ મતદાન મથકમાં ઇવીએમના મતની ગણતરી માટે કુલ ચૌદ ટેબલ રખાશે. મતદાન મથકની કુલ સંખ્યાના આધારે મત ગણતરીના રાઉન્ડ નક્કી થશે. ઉદાહરણ તરીકે બાપુનગર બેઠકમાં સૌથી ઓછા ૧૯પ મતદાન મથક છે તો આ બેઠક માટે ચૌદ મત ગણતરીના રાઉન્ડ યોજાશે.
ઘાટલોડિયામાં સૌથી વધુ ૩૬૧ મતદાન મથક હોઇ ત્યાં અંદાજે મત ગણતરીના રપ થી ર૬ રાઉન્ડ થશે. જિલ્લાની તમામે તમામ ર૧ બેઠક પરની હાર જીતનો ટ્રેન્ડ બપોરના બાર વાગ્યા સુધીમાં આવી જશે તેમ જણાવતાં અમદાવાદ જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી રાજેન્દ્ર સરવૈયા વધુમાં કહે છે મત ગણતરી બાદ છેલ્લે આ વખતે પારદર્શક મત ગણતરી માટે ઇવીએમના મતથી સાથે વીવીપેટની કાપલીની સરખામણીનો નવતર પ્રયોગ હાથ ધરાશે. જેમાં ડ્રો સિસ્ટમને અપનાવાશે.
ડ્રો સિસ્ટમ અંગે વધુ જાણકારી આપતા તેઓ કહે છે ઉદાહરણ તરીકે વીરમગામ બેઠકમાં ૩પ૪ મતદાન મથક છે. તો આ તમામ મથકોનાં ક્રમાનુસાર ચિઠ્ઠી બનાવીને ચૂંટણી અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કોઇ પણ એક મતદાન મથકની ચિઠ્ઠી ઉપાડશે. જો તેમાં મતદાન મથક ક્રમાંક ૭૪ આવ્યું તો તે મતદાન મથકના ઇવીએમ સાથે જોડાયેલા વીવીપેટને ખોલાશે.