ભાવનગરના ખેડૂતોએ સીધો ગ્રાહકને વેચવાનો નવો ચીલો સફળતાપૂર્વક શરૂ કર્યો

881

ભાવનગર જિલ્લાનાં ૩૦ ગામનાં ખેડૂતોએ શહેરમાં વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. જેના માધ્યમથી ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે અને ગ્રાહકોને પ્રાકૃતિક શાકભાજી, અનાજ અને ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ બની રહ્યા છે.

આ અંગે ખેડૂતપુત્ર ભરતભાઇ જાંબુચાએ જણાવ્યું કે, અમે માર્કેટિંગ યાર્ડમાં અમારા ખેતીનાં પાક વેચવા જતા હતા. ત્યારે વચેટીયાઓનાં કમિશન, મજૂરી અને અન્ય ખર્ચાઓ બાદ કરતા અને હિસાબ માંડીએ તો ખબર પડતી કે મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું નથી. અમે ૩૦ ગામનાં ખેડૂતોને ભેગા થયા અને તેઓની ખેત પેદાશ સીધી ભાવનગરમાં આવી વેચાણ કરવાનું નક્કી કર્યુ.

શરૂઆતમાં ભાવનગરનાં વિજ્ઞાન નગરી પાસે અને બાદમાં અન્ય સ્થળે પાથરણા પાથરીને અમારી ખેત પેદાશ વેચી હતી. લોકો તરફથી ઓર્ગેનિક શાકભાજી, અનાજ અંગે સારો પ્રતિસાદ સાંપડતા અમે પ્રાકૃતિક ખેતી વેચાણ કેન્દ્ર શરૂ કર્યું છે. ૩૦ ગામનાં ખેડૂતોનાં આ અભિયાનને જિલ્લાના અન્ય ગામોમાં પણ પ્રસરાવવાના પ્રયાસો કરવામાં આવનાર છે. વધુમાં આગામી દિવસોમાં ખેડૂતોને ઓર્ગેનિક ખેતીની તાલીમ, માર્ગદર્શન અને કઇ રીતે વધુ પાક લઇ શકાય તેના વિશે માહિતગાર પણ કરવામાં આવશે. અમારો હેતુ ખેડૂતોને સારા ભાવ અને ગ્રાહકને સાત્વિક વસ્તુઓ મળે તેના માટેનો છે.

ગુજરાતમાં ખેતીમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે ભાવનગર ખેડૂતોના એક વર્ગે નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેમના ઉત્પાદનની યોગ્ય કિંમત મેળવવા માટે અને ખેતી તેમના માટે નુકસાનનો ધંધો ના બને તે માટે ભાવનગરનાં ૩૦ ખેડૂતોનાં ગ્રુપે શાકભાજી, ફળો, અનાજ અને શરબત જેવા સામાન વેચવા માટે પોતાની દુકાન શરૂ કરી છે.

ઘણાં વર્ષોથી અમે કમિશન એજન્ટો ચેઈન તોડવાનું અને ગ્રાહકો સુધી પહોંચવાનું કામ કરીયે છીએ. લોકોને સારી ગુણવતા, કેમિકલ રહિત અને શુદ્ધ ખેતીની પેદાશો મળે તે માટે હવે અમે એક દુકાન બનાવી રહ્યાં છીએ. ૫૦ ખેડૂતોનું એક જૂથ જૈવિક ખેતી કરી રહ્યું છે. તે ભાવનગરમાં ગ્રાહકોને તેમના ઉત્પાદન જેવા કે શાકભાજી, ફળો, અનાજ, વગેરે વેચી રહ્યાં છે. જ્યાં તે પોતાનો ધંધો કરી શકે છે. અમે ભાવનગરમાં અમારા વિશેની જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવ્યું. જેથી લોકો ખેત ઉત્પાદકની તેમની જરૂરીયાતને લઈને અમારી પાસે આવે. અમારી પાસે ૪૦ થી ૫૦ નિયમિત ગ્રાહકો જે સપ્તાહમાં બે વાર શાકભાજી અને અન્ય સામાન ખરીદે છે. તેથી જ લોકોના વિશ્વાસથી અમે દુકાનમાં રોકાણ કર્યું છે.

Previous articleઅમરિકાથી રૂપિયા પડાવતું બોગસ કોલ સેન્ટર ઝડપાયું, ૫૦થી વધુની ધરપકડ
Next articleનસીબદાર છું કે આટલું બધું કર્યું હોવા છતા મારું નામ મી-ટૂમાં નથી ઉછળ્યુંઃ શત્રુઘ્ન સિન્હા