ક્રિકેટ જગતમાં વિસ્ફોટક બેટ્સમેન તરીકે ઓળખાતા ક્રિસ ગેલની એકવાર ફરી વિન્ડિઝની ટીમમાં વાપસી થઇ ગઈ છે. વિન્ડિઝ ક્રિકેટે ઇંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે વનડે મુકાબલા માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં જેમાં ક્રિસ ગેલની વાપસીનું પણ એલાન કર્યું છે. આ સાથે વિન્ડિઝ ટીમના ચેરમેને કહ્યું કે અમે અમારી વિશ્વકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત વર્ષના જુલાઇ મહિનાથી ટીમમાંથી બહાર ચાલી રહેલા ક્રિસ ગેલની લગભગ ૬ મહિના બાદ ટીમમાં વાપસી થઇ છે. ૩૯ વર્ષીય આ સ્ટાર ખેલાડીને આ વર્ષેય ઇંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપને ધ્યાનમાં રાખીને ટીમમાં પસંદી આપવામાં આવી છે.
ગેલ વેસ્ટ ઇન્ડિઝના બીજા સૌથી વધુ વનડે રમનાર ખેલાડી છે. તેમણે પોતાના દેશ માટે ૨૮૪ વનડે રમી છે. જેમાં વિસ્ફોટક અંદાજમાં ૯૭૨૭ રન બનાવ્યા છે. વિન્ડિઝ માટે સૌથી વધુ વનડે રમવાનો રેકોર્ડ બ્રાયન લારાના નામે છે. જેમણે ૨૯૯ વનડે રમી છે અને ૧૦,૪૦૫ રન બનાવ્યા. હાલમાં ક્રિસ ગેલ બીપીએલમાં પોતાની ટીમ રંગપુર રાઇડર્સ માટે રમી રહ્યો છે. જ્યાં તેમણે કેટલીક શાનદાર ઇનિંગ્સ રમી પોતાના ફોર્મની સાબિતી આપી દીધી છે.