ભારતની ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત

641

ઓકલેન્ડ ખાતે આજે રમાયેલી બીજી ટ્‌વેન્ટી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર સાત વિકેટે જીત મેળવી હતી. આની સાથે જ ટ્‌વેન્ટી શ્રેણીને જીવંત રાખવામાં સફળતા મેળવી હતી. પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં જંગી જુમલો ખડકનાર ન્યુઝીલેન્ડની ટીમ આજે કોઇ જંગી જુમલો ખડકવામાં સફળ રહી ન હતી. ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ આઠ વિકેટે ૧૫૮ રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ગ્રાન્ડહોમે સૌથી વધુ ૨૮ બોલમાં ૫૦ રન કર્યા હતા જ્યારે ટેલરે ૩૬ બોલમાં ૪૨ રન કર્યા હતા. ટોપ ઓર્ડરના બેટ્‌સમેનો ફ્લોપ રહ્યા હતા. મુનરો ૧૨ રન કરીને આઉટ થયો હતો. કેપ્ટન વિલિયમસન ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો અને ઝડપી રન બનાવવાના ચક્કરમાં તે ૨૦ રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી કૃણાલ પંડ્યાએ ૨૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. બાકીના બોલરોમાં અહેમદ બે વિકેટ ઝડપી હતી. જીતવા માટેના ૧૫૯ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે જોરદાર બેટિંગ કરી હતી. રોહિત શર્મા ૨૯ બોલમાં ૫૦ રન કરીને આઉટ થયો હતો જેમાં ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. શિખર ધવન ૩૦ રન કરીને આઉટ થયો હતો જ્યારે પંત ૨૮ બોલમાં ૪૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ધોની ૨૦ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આની સાથે જ ભારતે આ મેચ જીતી લીધી હતી. વેલિંગ્ટન ખાતે અગાઉ રમાયેલી પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં યજમાન ન્યુઝીલેન્ડે ભારતને ૮૦ રને કારમી હાર આપીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. ટેસ્ટ અને વનડે શ્રેણી ગુમાવી દીધા બાદ ન્યુઝીલેન્ડે ટ્‌વેન્ટી ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી હતી અને પ્રથમ મેચમાં જ જંગી જુમલો ખડક્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે નિર્ધારિત ૨૦ ઓવરમાં છ વિકેટે ૨૧૯ રન ખડક્યા હતા. જીતવા માટેના ૨૨૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર ૧૩૯ રન કરીને કંગાળ રીતે હારી ગઈ હતી. તે પહેલા પાંચમી અને અંતિમ વનડે મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ ઉપર સરળ જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન કર્યા હતા જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ ૨૫૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ૪૪.૧ ઓવરમાં ૨૧૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી આ મેચની સાથે જ ભારતે પાંચ મેચોની શ્રેણી ૪-૧થી જીતી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે રાયડુની પસંદગી કરવામાં આવી હતી જ્યારે મેન ઓફ દ સિરિઝ તરીકે સામીની પસંદગી કરાઈ હતી. અગાઉ હેમિલ્ટન ખાતે રમાયેલી  ચોથી વનડે મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર આઠ વિકેટે જીત મેળવી હતી. તે પહેલા માઉન્ટ મોનગાનુઈમાં રમાયેલી ત્રીજી મેચમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કર્યો હતો. યજમાન ટીમ ૪૯ ઓવરમાં ૨૪૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ત્યારબાદ રોહિત શર્માના ૬૨ અને વિરાટ કોહલીના ૬૦ રનની મદદથી ભારતે ૪૩ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને જીતવા માટેના જરૂરી રન ૨૪૫ રન કરીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ ભારતે ન્યુઝીલેન્ડમાં ૧૦ વર્ષના લાંબાગાળા બાદ દ્વિપક્ષીય શ્રેણી પોતાના નામ ઉપર કરી હતી. આ પહેલા વર્ષ ૨૦૦૯માં પોતાના નામ ઉપર શ્રેણી કરી હતી. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પણ વનડ શ્રેણી જીતી હતી.૭૦ વર્ષના ગાળા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી પણ જીતવામાં સફળ રહી હતી. વિદેશી મેદાન ઉપર ભારતીય ટીમે સતત બીજી વનડે શ્રેણી જીતી છે. યજમાન ન્યૂઝીલેન્ડની ટીમે હાલમાં જ શ્રીલંકાની સામે ૩-૦થી જોરદાર જીત મેળવી હતી. ભારતીય ટીમનો આજે તમામ ક્ષેત્રોમાં જોરદાર દેખાવ રહ્યો હતો. ખાસ કરીને બેટિંગ અને બોલિંગમાં જોરદાર દેખાવ રહ્યો હતો. પ્રથમ ટ્‌વેન્ટી મેચમાં ભારતીય બોલરો ફ્લોપ રહ્યા હતા પરંતુ આજની મેચમાં ભારતીય બોલરોએ લાઈન અને લેન્થ જાળવી રાખીને આક્રમક બોલિંગ કરી હતી જેના પરિણામ પણ મળ્યા હતા.

Previous articleરોહિત શર્માના ટ્‌વેન્ટી-૨૦ ક્રિકેટમાં હવે સૌથી વધુ રન
Next articleઅમરેલી સજ્જડ બંધઃ રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઇ લોકો રસ્તા ઉપર ઉતર્યા