રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં બનાસકાંઠાનું ડીસા શહેર સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ડીસામાં ઠંડીએ ૭ વર્ષનો રેકોર્ડ તોડતા અહીં લઘુત્તમ તાપમાન ૬.૪ ડીગ્રી નોંધાયું છે. તો સાથે નલીયામાં તાપમાન ૭.૫ ડીગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં તાપમાન ૯.૪ ડીગ્રી નોંધાયું છે. ગુરૂવાર કરતા શુક્રવારે તાપમાનમાં ૫.૧ ડીગ્રીનો ઘટાડો થતા ડીસાવાસીઓ ઠંડીમાં ઠુંઠવાઈ ગયા છે. જ્યારે લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યાં છે.
ગુરૂવારે ગુજરાત અને રાજસ્થાન ઉપર છવાયેલા અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લામાં ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો.
બે દિવસથી ગરમીનું વાતાવરણ રહ્યા બાદ અચાનક જ ઠંડીમાં ફેરવાઇ ગયું અને ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીમાં ૨થી ૪ ડિગ્રીનો વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ૧૨ઃ૩૦થી ૪ઃ૩૦ વાગ્યા સુધી પવનની ઝડપ પ્રતિ કલાક ૩૦ કિલોમીટર રહી હતી. જ્યારે બપોરે અઢી વાગ્યે ઝડપ વધીને ૩૬ કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. મોડીસાંજથી બફિર્લો પવન ફૂંકાવાનું શરૂ થયું હતું અને ઠંડીની તીવ્રતા જોરદાર વધી ગઈ હતી. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટ, ભાવનગર, પોરબંદરમાં ૬૪ ટકા, દ્વારકામાં ૬૯, ઓખામાં ૭૪, કંડલામાં ૬૯, અમરેલીમાં ૭૩, મહુવામાં ૪૯, ગાંધીનગરમાં ૭૯ ટકા નોંધાયું છે.
રાજકોટમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ૧૦.૪ ડિગ્રી નોંધાયું છે જે ગુરૂવારની સરખામણીએ સાડાચાર ડિગ્રી જેટલું ઓછું છે. અમરેલીમાં ગુરૂવારે મહત્તમ તાપમાન ૧૨ ડિગ્રી હતું તે શુક્રવારે ઘટીને ૧૦.૪ ડિગ્રી થયું છે. નલિયામાં શુક્રવારે લઘુત્તમ તાપમાન ૭.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગુરૂવારે ૧૩.૮ ડિગ્રી હતું. ભુજમાં ગુરૂવારેનું લઘુત્તમ તાપમાન ૧૩.૬ અને શુક્રવારે ૧૧.૪ ડિગ્રી રહેવા પામ્યું છે. તાપમાનનો પારો એક જ દિવસમાં ૫થી ૬ ડિગ્રી જેટલો નીચે ઉતરતાં જનજીવન થર-થર કાપી રહ્યું છે. મહત્તમ તાપમાન પણ ધડાધડ નીચે ઉતરી ગયું છે અને ૨૫ ડિગ્રી આસપસા નોંધાયું છે.