બાળકોના માનસ પર ગેમ રમવાને કારણે થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ૧૫મી માર્ચ સુધી અમલમાં રહેશે. આ પહેલા ખૂબ જ ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી ચુક્યો છે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે બાળકોના કુમળા માનસ પર વિપરિત અસર કરતી પબજી કે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરતી બ્લૂ વ્હેલ ગેમ પર પોલીસ કમિશ્નર સતીર શર્માએ પ્રતિબંધ જાહેર કર્યો છે. જાહેરનામા પ્રમાણે પબજી તેમજ બ્લૂ વ્હેલ ચેલેન્જ મારફતે ક્યુરેટરના એડમિનિસ્ટ્રેટરના રોલ પ્લે કરવા, આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા કોઈ વ્યક્તિને આવી કોઈ ગતિવિધિમાં સામેલ હોય તેની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અથવા મૌખિક જાણ કરવી. જાહેરનામામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ તેમજ ગૂગલ ઇન્ડિયા, ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પબજી, બ્લૂ વ્હેલ ચેલેન્જ ગેમ તેમજ તેના જેવી બીજી ગેમની લિંકો પોતાની કંપની મારફતે ઉપયોગમાં લેવામાં આવતી હોય તો તેને હટાવી દેવાની રહેશે.
ગુનાની તપાસ કામગીરીમાં સામેલ એજન્સી તેમજ શૈક્ષણિક સંશોધનો માટે આ ગેમનો ઉપયોગ કરનાર લોકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ મળશે. આ હુમકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર બનશે.
નોંધનીય છે કે તાજેતરમાં સરકારના આદેશથી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ ડીપીઓને પરિપત્ર કરીને સ્કૂલોના બાળકોને પબજી ગેમ રમતા રોકવા આદેશ કરવામાં આવ્યો હતો.