સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. ગુરુવારે શહેરમાં નવા ૧૦ કેસ નોંધાયા હતા. શુક્રવારે એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩૮ દિવસની વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂના ૧૫૫ કેસ નોંધાયા છે. આ દરમિયાન શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં ૨૬ લોકોનાં મોત થયા છે. હાલ સ્વાઇફ ફ્લૂના ૪૭ જેટલા દર્દીઓ રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર ચાલી રહી છે. એચ૧એન૧ ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી થતી ફ્લુ જેવી જ બીમારી છે જે હવે સીઝનલ ફ્લુ છે. સાદા ફ્લુની જેમ જ ખાંસી કે છીંક આવવાથી એક માણસથી બીજા માણસમાં ફેલાય છે અથવા તો એચ૧એન૧ વાઈરસથી ઈન્ફેકટેડ એટલે કે સંક્રમિત વસ્તુને અડકવાથી અને પછી તે હાથ મોં કે નાક ને અડકવાથી ફેલાય છે. સીઝનલ ફ્લુરોગના મુખ્ય લક્ષણોઃ શરદી, ખાંસી અને ગાળામાં દુઃખાવો, ભારે તાવ, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય, ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવા, શરીર તુટવું અને નબળાઈ. પાંચ વર્ષથી નાના બાળકો,સગર્ભા સ્ત્રી, ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, લાંબી બીમારીથી પીડાતા વ્યક્તિ, આ ઉપરાંત દમ, શ્વાસનતંત્રના રોગો, મધુપ્રમેહ (ડાયાબિટીસ), હૃદયરોગ, કીડની, રક્તવિકાર, મગજ અને મજ્જાતંતુના રોગીઓ તેમજ એચ.આઈ.વી.ના દર્દીઓને આ રોગ જોખમી પુરવાર થઈ શકે છે. સ્વાઈન ફ્લૂની લપેટમાં ભૂલકાંઓ પણ આવી રહ્યાં હોઇ એસી ઓફિસમાં બેસનારા હેલ્થ વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં ગભરાટના માર્યા પરસેવો છૂટી વળ્યો છે.
હેલ્થ વિભાગ દ્વારા શહેરભરની ખાનગી અને સરકારી શાળામાં વ્યાપક સર્વે હાથ ધરાયો છે. દરમિયાન સ્વાઈન ફ્લૂના પ્રકોપ અંગે પૂછતાં હેલ્થનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. કુલદીપ આર્યા કહે છે કે સ્વાઈન ફ્લૂને વધુ ફેલાતો અટકાવવા શાળાઓમાં સ્વાઈન ફ્લૂના કેસ તપાસવા ખાસ સર્વે શરૂ કરાયો હોઇ તેનો અઠવાડિયામાં રિપોર્ટ આવી જશે.