રાફેલ મામલે હવે ફરી એકવાર વિવાદ છેડાયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક સમાચાર પત્રના રિપોર્ટ મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે તો સંરક્ષણમંત્રી નિર્મલા સિતારમણે આ રિપોર્ટ પર જ સવાલ ખડા કર્યા છે અને કહ્યું છે કે, સમાચાર પત્રએ એકતરફી રિપોર્ટિંગ કર્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, સમાચાર પત્રએ પુરી હકીકત નથી વર્ણવી. તેમાં તત્કાલીન સંરક્ષણમંત્રી મનોહર પર્રિકરનો જવાબ જ નથી છાપવામાં આવ્યો. આજે સવારે જ કોંગ્રેસે આ અહેવાલને ટાંકીને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં, ત્યાર બાદ ભાજપે પણ આ મામલે વળતો પ્રહાર કર્યો હતો. સાથે જ નિર્મલા સિતારમણે કોંગ્રેસને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ વિદેશી તાકાતોના હાથમાં રમી રહી છે. જે દેશને નુંકશાન પહોંચાડી રહી છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, મેં સદનમાં આપેલા જવાબમાં તમામ બાબતો સ્પષ્ટ કરી છે. ડીલ પર પીએમઓના ઈનક્વાયરીને મામલામાં હસ્તક્ષેપ ના કહી શકાય. કોંગ્રેસ મલ્ટિ નેશનલ કોર્પોરેશન સાથે રમત રમી રહ્યાં છે. તે ભારતની વાયુ સેનાને મજબુત થવા દેવા નથી માંગતી.