છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ પહેલીવાર રાજ્યના પ્રવાસે ગયેલા વડાપ્રધાનને પહેલીવાર વિરોધપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. લોકસભાની ચૂંટણી પહેલા એકજુથ થયેલા વિરોધ પક્ષને ‘મહામિલાવટ’ ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેમાં એન્ટ્રી મેળવવા માટેની માત્ર એક જ લાયકાત છે કે મોદીને કોણ કેટલી ગાળો આપે છે. તેમણે રાજ્ય સરકાર પર પણ જનતા વિરોધી નિર્ણય લેવાના અને ભ્રષ્ટાચારને છુપાવવાના આરોપો લગાવ્યા. વડાપ્રધાને કોંગ્રેસ પર વચેટિયાઓ અને દલાલો સાથે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ‘મામા-કાકા’ને ભારત લાવીને તપાસ એજંસીઓના હવાલે કરવામાં આવી રહ્યાં છે, માટે તેઓ હચમચી ગયા છે અને આવા લોકો સાથે મિલાવટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ પક્ષો વચ્ચે રીતસરની હરીફાઈ જામી છે કે મોદીને કોણ વધુમાં વધુ ગાળો આપી પોતાના આંકડા વધારે મજબુત્ત બનાવે છે. મહામિલાવટમાં એન્ટ્રી મેળવવાની એક જ યોગ્યતા છે કે જે મોદીને વધારેમાં વધારે ગાળો આપે તેને પહેલા એન્ટ્રી મળી જાય છે. તેમણે કહ્યું હતું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો જ નથી અને તેઓ રાત-દિવસ મોદી-મોદીના ગાણા ગાયે રાખે છે. ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા લોકોની કોઈ જ વિચારધારા નથી. તેમની રાજનીતિ એ જ છે કે, પોતે પણ ભ્રષ્ટાચાર કરો અનેવ કરનારાઓને સંરક્ષણ પુરૂ પાડો, ભલે ગમે તેટ્લી મિલાવટ કરી લે પણ ચોકીદાર ચુપ નહીં બેસે.
તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, કૌભાંડના પરિણામો છે કે સીબીઆઈની તપાસમાં રોડા ઉભા કરવામાં આવે છે. તેઓ અત્યારથી જ પોતાના ભ્રષ્ટાચાર છુપાવવામાં લાગી ગયા છે. આ લોકોને દિલ્હીથી વિરસતમાં આ જ સંસ્કાર મળ્યા છે. આગામી ચૂંટણીમાં છત્તીસગઢને એટીએમ બનાવવાનું છે, સીબીઆઈ બેસસે તો એટીએમ કેવી રીતે બનશે.
તેમણે ગાંધી પરિવાર તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના નામદાર પરિવારના દરેક સભ્યો વિરૂદ્ધ અદાલતોમાં ગંભીર પ્રકારના કેસ ચાલી રહયાં છે. ટેક્ષ ચોરી, ઉપાચત, જમીન કૌભાંડ, સંપત્તિના કૌભાંડના કેસો ચાલી રહ્યાં છે. હવે સ્થિતિ એવી છે કે, મોટા ભાગના જામીન પર છે કાં તો આગોતરા જામીન પર બહાર છે. કાયદાથી બચવાના તેમના આ પ્રયાસો વચ્ચે ચોકીદાર પણ એલર્ટ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે, છત્તીસગઢ જુની પરંપરા તરફ પાછુ ફરી રહ્યું છે. કેંસર, હાર્ટ અટેક, કિડનીની બિમારી જેવી બિમારીઓમાં જમીન પણ વેચવાનો વારો આવે છે, જે કોંગ્રેસની જુની પદ્ધતી છે. આયુષ્યમાન ભારતમાં વૈજ્ઞાનિક ઢબે લિસ્ટ બને છે, ગેરરીતિ આચરીને નામ હટાવી કે ઉમેરી શકાતા નથી. પૈસા સીધા જે તે હોસ્પિટલના ખાતામાં જ જમા થાય છે. માટે કોંગ્રેસને વચેટિયાઓ વગરની કોઈ પણ યોજના માફક જ નથી આવતી.
વડાપ્રધાને આરોપ લગાવ્યો હતો કે, છત્તીસગઢના ખેડૂતોને ૧૦ દિવસમાં દેવામાફી કરવાનો વાયદો કર્યો હતો પરંતુ મત અંકે કરી લીધા બાદ ખેલ ખતમ કરી નાખ્યો. એ ખેડૂતોના દેવા માફ કર્યા છે જેમને ગ્રામીણ કે સહકારી બેંકો પાસેથી લોન લીધી હતી, રાષ્ટ્રીય બેંકો, સાહૂકારો કે સંબંધીઓ પાસેથી વ્યાજે પૈસા લેનારા ખેડૂતોના દેવા માફ નથી થયા.