સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં આજે બીજા દિવસે પણ ભારે હિમવર્ષાનો દોર શરૂ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ઠેર-ઠેર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. સમગ્ર જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને કારણે પાંચ-પાંચ ફૂટ બરફના થર જામી ગયા છે તો બીજી તરફ દક્ષિણ કાશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ નેશનલ હાઈ-વે પર જવાહર ટનલ નજીક હિમપ્રપાત થયો હતો જેના કારણે ૧૦ પોલીસ જવાનો ચોકીની અંદર ફસાયા હતા તો આ હિમપ્રપાતમાં અન્ય પાંચ લોકો પણ લાપતા બન્યા હતા. દક્ષિણ કશ્મીરમાં શ્રીનગર અને જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર ટનલ નજીક થયેલા હિમપ્રપાતને કારણે પોતાની ચોકીની અંદર ફસાઈ ગયેલા ૧૦ પોલીસ જવાનો ફસાઈ ગયા હતા જે પૈકી ૭ને બચાવી લેવાયા હતા જ્યારે ૩ પોલીસ જવાનના મોત નીપજ્યા હતા આ સહિત અન્ય ૪ વ્યક્તિના પણ મોતના સમાચાર મળી રહ્યા છે જેના કારણે મોતનો આંકડો ૭ પર પહોંચ્યો છે અને અન્ય ૫ લોકો હજુ લાપતા છે. શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર જવાહર ટનલ નજીક હિમપ્રપાત થવાને કારણે પોતાની ચોકીની અંદર સપડાઈ ગયેલા ૭ પોલીસ જવાનને આજે બચાવી લેવામાં આવ્યા છે. આજે સવારે બર્ફીલો પવન ખૂબ ફૂંકાતો હતો અને તે વિસ્તારમાં એટલો બધો બરફ પડ્યો છે કે બચાવ કામદારોની ટૂકડીને ચોકી સુધી પહોંચવામાં તકલીફ પડી હતી. કુલગામ જિલ્લામાં જવાહર ટનલમાં કાઝીગુંદ તરફના છેડે ગુરુવારે સાંજે હિમપ્રપાત થયો હતો. ટનલ નજીકની પોલીસ ચોકીઓમાં ૨૦ જવાનોને ફરજ પર મૂકવામાં આવ્યા હતા. હિમપ્રપાત થયો એની પહેલાં જ ૧૦ જવાન ત્યાંથી સલામત રીતે નીકળી જવામાં સફળ થયા હતા, પરંતુ બીજા ૧૦ જણ ફસાઈ ગયા હતા. કશ્મીર ખીણપ્રદેશમાં ગયા બુધવારથી સખત હિમવર્ષા થઈ રહી છે. એમાંય દક્ષિણ કશ્મીરના કુલગામ જિલ્લામાં સૌથી વધારે માઠી અસર પડી છે. જિલ્લાના અમુક સ્થળોએ તો પાંચ-પાંચ ફૂટ જેટલો બરફ પડ્યો છે.