સમગ્ર રાજયભરની સાથો સાથ ભાવનગર જિલ્લામાં જીવલેણ સ્વાઈન ફલુનો રોગે હાહાકાર મચાવ્યો છે. ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક વૃધ્ધાનું આજે સારવાર દરમ્યાન મોત થયું હતું. ત્યારે છેલ્લા ૧૦ દિવસમાં ૧રના મોત નોંધાયા છે.
હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે. અને છેલ્લા એકાદ પખવાડીયાથી ઠંડીમાં વધારો થયો છે. તેની સાથો સાથ સ્વાઈન ફલુના રોગમાં પણ વધારો થવા પામ્યો છે. ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં બનાવાયેલા સ્વાઈન ફલુના સ્પેશ્યલ વોર્ડમાં સારવાર માટે તા. ૬ના રોજ દાખલ કરાયેલા તળાજા તાલુકાના છાપરી ગામના ૬પ વર્ષિય વૃધ્ધાનું આજે સવારે સારવાર દરમ્યાન મોત થયું હતું. ત્યારે સર.ટી.ના સ્વાઈન ફલુ વોર્ડમાં છેલ્લા ૧૦ દિવસમાં સ્વાઈન ફલુથી મૃત્યુ આંક ૧ર થયો છે. છેલ્લા એક સપ્તાહથી લગભગ દરરોજ એક-બે વ્યક્તિના સ્વાઈન ફલુથી મૃત્યુ થઈ રહ્યા છે.
સર.ટી. હોસ્પિટલમાં ગત તા. ૧૬ સપ્ટેમ્બરથી આજે તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં સ્વાઈનફલુ વોર્ડમાં દાખલ થયેલા પૈકી ૧૪૬ વ્યક્તિઓને પોઝીટીવ આવ્યો હતો. જે પૈકી આજ દિન સુધીમાં કુલ ૩પ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જયારે આજની તારીખે સ્વાઈન ફલુ વોર્ડમાં ર૦ પોઝીટીવ અને ૬ શંકાસ્પદ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજે વધુ એક પોઝીટીવ આવ્યો હતો. જયારે આજના દિવસે ૬ દર્દીઓને સ્વસ્થ થતા રજા આપી દેવાઈ હતી. આમ ભાવનગર જિલ્લામાં સ્વાઈન ફલુના રોગે હાહાકાર મચાવ્યો છે. ત્યારે લોકોએ સાવચેતીના પગલા લેવા અને જરા પણ શરદી ઉધરસ કે તાવ સહિત લાગે તો તુરંત નજીકના દવાખાનામાં રિપોર્ટ કરાવવાની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી રહી છે.
સ્વાઈન ફલુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની ખબર કાઢવા આવી રહેલા સગા-સંબંધીઓને તંત્ર દ્વારા માસ્ક આપવા ઉપરાંત ટેમીફલુ નામની દવાઓ પણ આપવામાં આવી રહી છે.