ભાજપના તત્કાલીન બે મંત્રીઓને સંડોવતા ચારસો કરોડના ફિશરીઝ કૌભાંડમાં અત્રેની કોર્ટે તત્કાલીન કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી અને હાલ રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકી સામે જામીનપાત્ર વોરંટ કાઢયુ છે. હાઇકોર્ટમાંથી પછડાટ મળ્યા બાદ આ બંને નેતાઓને આજે ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનું હતું. પરંતુ આજે બંને કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે ૫૦ -૫૦ હજારના વોરંટના હુકમો કરી બીજી માર્ચ સુધીમાં તેની બજવણી કરવા પોલીસને આદેશ કર્યો છે.
ઉલ્લેખનીય છેકે, આ કૌભાંડમાં બંને નેતાઓ ઉપરાંત મત્સ્યદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સાત સામે ગાંધીનગર કોર્ટમાં ફરિયાદ નોંધાઇ હતી. આરોપીઓએ પોતાની સત્તાનો દુર ઉપયોગ કરીને રાજ્યના તળાવો અને ડેમમાંથી માછલી પકડવાનો કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે મળતિયાઓને પધરાવી દીધો હોવાનો આક્ષેપ હતો.
વર્ષ ૨૦૦૮ની સાલમાં આ કૌભાંડ આચરવામાં આવ્યુ હતું. જે મામલે ૨૦૧૨ની સાલમાં આરોપીઓ વચ્ચે કાનુની ગાળિયો કસાયો હતો.તાજેતરમાં જ હાઇકોર્ટે આ કેસમાં ફરિયાદ રદ કરવાની આરોપીઓની ક્વોશિંગ પીટીશન કાઢી નાખી ૧૫ દિવસમાં ટ્રાયલ કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.
શુક્રવારે ગાંધીનગર સેશન્સ કોર્ટમા આ કેસની મુદ્દત હતી. જેમાં મંત્રી પરશોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને હાજર થવાનું હતું. પરંતુ સમગ્ર દિવસ સુધી બંને નેતાઓ કોર્ટમાં હાજર થયા નહતા. જોકે, આ કેસના અન્ય સરકારી આરોપી અધિકારીઓએ કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટે બપોર સુધી રાહ જોઇ હતી. પરંતુ બંને નેતાઓ હાજર નહી થતા કોર્ટે બંને વિરૂધ્ધ ૫૦-૫૦ હજાર વોરંટના હુકમ કર્યા હતા.
બીજી માર્ચ સુધીમાં વોરંટની બજવણી કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છેકે, સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ફિશરીઝ કૌભાંડમાં ભાજપના તત્કાલીન મંત્રી દિલીપ સંઘાણી તથા રાજ્યકક્ષાના મંત્રી પરશોત્તમ સોલંકીનું નામ બહાર આવ્યુ હતું.