ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબ દ્વારા સેક્ટર-૨૨ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સેક્ટર-૧૩ની સરકારી પ્રાથમિક શાળા-૨ ખાતે તા. ૦૯મી ફેબ્રુઆરી શનિવારના રોજ “નિઃશુલ્ક સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સર્વ રોગ નિદાન કેમ્પમાં સેક્ટર-૨૨ ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. ધરાબેન જાદવ દ્વારા વિના મુલ્યે વિવિધ રોગોનું નિદાનની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ શિબિરનો કુલ ૧૫૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ સાથે શિબિરના સમાપને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને તબીબ ડો.ધરાબેન જાદવ દ્વારા “આયુર્વેદ અને આપણાં તહેવારો” વિષયે સ્વાસ્થ્ય સબંધિત જાગૃતિ વક્તવ્ય પણ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે શિબિરમાં લાભાર્થીઓને પેટના રોગો, શ્વાસ, ઉધરસ, કફ, સાંધાના દુખાવા, મણકાની તકલીફ, ડાયાબીટીસ, સ્થૂળતા, કાન-નાક-ગળા-આંખ-અને દાંતના રોગો, વ્યંધત્વ, ઉત્તમ સંતતિ, સગર્ભાવસ્થાની સમસ્યા સહિતના અન્ય રોગો અંગે દર્દીઓને નિદાન તથા સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાત મુજબ વિના મુલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.