વાવોલ ખોડિયાર ધામનો આજે દ્વિતિય પાટોત્સવ

1090

ગાંધીનગર નજીક વાવોલ ગામે આવેલા આઈ શ્રી ખોડિયાર ધામના દ્વિતિય પાટોત્સવ નિમિત્તે ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

રવિવારે સવારથી સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તો રાત્રે પ્રફુલ્લ દવે દ્વારા ફૂલોના ગરબા પણ ભકતોને ગવડાવાશે.

આ અંગે સોમમણી ફાઉન્ડેશન ટ્રસ્ટ, વાવોલના પીઠાધીશ્વર સોમાભાઈ અંબાલાલ પ્રજાપતિ (પાઘડીશેઠ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાવોલ સ્થિત આઈ શ્રી ખોડિયાર ધામનો દ્વિતિય પાટોત્સવ સંવત ર૦૭પ મહાસુદ પાંચમને તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦૧૯, રવિવારના રોજ યોજાશે.

આ પ્રસંગે અમદાવાદ જગન્નાથજી મંદિરના મહા મંડલેશ્વર મહંત દીલીપદાસજી મહારાજની સાથે સાથે રાજયના અન્ય સંત-મહંતો ઉપસ્થિત રહેશે. પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત શનિવારે સાંજે કુંભ સ્થાપના અને મૂર્તિ પૂજનની સાથે સાથે અન્નકુટ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ રવિવારે સવારે ૮.૧પ કલાકે હરિદ્વાર જગન્નાથધામના રામાનંદ આચાર્ય હંસાદેવાચાર્ય મહારાજ ના આચાર્યપદે નવચંડી યજ્ઞ પ્રારંભ થશે. જેમાં સાંજે ૪ઃ૩૦ કલાકે શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ સાંજે મહાપ્રસાદનું પણ આયોજન ભકતો માટે કરવામાં આવ્યું છે. રાત્રે ૮ઃ૩૦ કલાકથી અહીં ફૂલોના ગરબા યોજાશે. જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકાર પ્રફુલ્લભાઈ દવે દ્વારા ગરબા કરવામાં આવશે.

આ પાટોત્સવમાં અને ગરબાના કાર્યક્રમોમાં માઈ ભકતોને પધારવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Previous articleસેક્ટર-૧૩ ખાતે આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનો ૧૫૬ લાભાર્થીઓએ લાભ લીધો
Next articleગાંધીનગરનો સિરિયલ કિલરની ‘ઓળખ’ થઇ, સ્કેચ જાહેર થતા થયો મોટો ખુલાસો