ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાવનગર ખાતે બંદોબસ્ત માટે આવેલા બીએસએફ જવાનનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજવા પામ્યું છે. તંત્ર દ્વારા જવાનનું પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ ગાર્ડ ઓફ ઓનર આપી જવાનના મૃતદેહને તેના વતન રાજસ્થાન લઈ જવાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાવનગર ખાતે બંદોબસ્તમાં આવેલ બીએસએફ જવાનોને શહેરના હલુરીયા ચોક રાજગોર જ્ઞાતિની વાડીએ ઉતારો આપ્યો છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ જવાનો મતગણતરી માટે સ્ટ્રોંગરૂમ પર અને ઈજનેરી કોલેજ ખાતે બંદોબસ્તમાં હતા. જેમાં આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર લેખરામ પ્રેમારામ ઉ.વ.૪પ રહે.કેસરીંગપુર, જિલ્લો શ્રી ગંગાનગર રાજસ્થાનવાળા રાજગોર જ્ઞાતિની વાડીએ ઉતારા પર હતા તે વેળાએ વહેલી સવારે અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેમને તુરત સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ગંગાજળીયા પોલીસ સ્ટાફ સર ટી. હોસ્પિટલ ખાતે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડાયો હતો. પી.એમ. થયા બાદ જવાનના મૃતદેહને એસ.પી. કચેરી શહિદ સ્મારક ખાતે લઈ જઈ જ્યાં મુખ્ય ચૂંટણી અધિકારી ઠક્કર, જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલ, આઈ.જી. અમીતકુમાર વિશ્વકર્મા, એસ.પી. પી.એલ. માલ, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર તથા પીઆઈ, આર્મીના જવાનો, હોમગાર્ડ જવાન સહિતનાએ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને જવાનના મૃતદેહને તેમના વતન રાજસ્થાન ખાતે લઈ જવાયો હતો.