આવતીકાલે ભાવ.જિલ્લાના ૭૧ ઉમેદવારોનું ભાવી ખુલશે

638
bvn17122017-11.jpg

તા.૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ બે તબક્કે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલ તા.૧૮ને સોમવારે થનાર છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે ત્યારે તા.૧૮ને સોમવારે પ્રથમ તબક્કામાં યોજાયેલી ભાવનગર જિલ્લાની સાતેય બેઠકો પરના ૭૧ ઉમેદવારોનું ભાવી ખુલશે.
સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોની ચૂંટણી પ્રથમ તબક્કામાં તા.૯ના રોજ થયેલ. જ્યારે બીજા તબક્કાની ૧૪ ડિસેમ્બરે ચૂંટણી યોજાયેલ બાદ તમામ ઈવીએમ-વીવીપેટ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તા.૧૮ના રોજ રાજ્યભરમાં એક સાથે મતગણતરી થનાર છે. ભાવનગર જિલ્લાની સાતેય બેઠકો માટેની ગણતરી વિદ્યાનગર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ ખાતે કરવામાં આવશે. જેમાં દરેક બેઠક માટે કુલ ૭૦૦ ઉપરાંત કર્મચારીઓ ફરજ બજાવશે. જેને અગાઉથી તાલીમ અપાઈ ચુકી છે.
ભાવનગર જિલ્લાની સાતેય બેઠકોમાં કોણ જીતશે ? કોણ હારશે ? કોની ડીપોઝીટ જશે ?, કોને કેટલી લીડ મળશે ? સહિતની ચર્ચાઓએ શહેર અને જિલ્લાભરમાં જોર પકડ્યું છે. રાજકિય આગેવાનો, ઉમેદવારો અને લોકોમાં મતગણતરીને લઈને ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે કુલ ૭૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણીજંગ ખેલાયો હતો. જેમાં સૌથી વધુ પાલીતાણા બેઠકમાં ૧૪ અને સૌથી ઓછા ભાવનગર પૂર્વમાં માત્ર ૪ ઉમેદવારો રહ્યાં હતા.
જિલ્લાની સાતેય બેઠકોના કુલ ૧૬,ર૭,૯પ૪ મતદારો પૈકી ૧૦,૦પ,૪પર લોકોએ મતાધિકારનો ઉપયોગ કરતા જિલ્લાનું કુલ મતદાન ૬૧.૭૬ ટકા નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મહુવા બેઠકમાં ૬પ.પ૬ ટકા અને સૌથી ઓછુ ગારિયાધાર બેઠકમાં પપ.૩૧ ટકા નોંધાયું હતું. જેની ગણતરી સોમવાર તા.૧૮ના રોજ સવારે ૮ વાગ્યાથી શરૂ થઈ જશે તેવું મનાઈ રહ્યું છે અને જિલ્લા ચૂંટણી અધિકારીની આગેવાની અને માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે.

ભાવ.જિલ્લામાં થયેલ મતદાનની 
બેઠક વાઈઝ આંકડાકિય માહિતી
ક્રમ    બેઠકનું નામ    કુલ મતદારો    થયેલ મતદાન    ટકાવારી
૧    ૯૯-મહુવા        ર,૦૮,૯ર૭    ૧,૩૬,૯૭૦    ૬પ.પ૬
ર    ૧૦૦-તળાજા    ર,ર૧,૯૦૭    ૧,૩૯,૬ર૧    ૬ર.૯ર
૩    ૧૦૧-ગારિયાધાર    ર,૦૩,૬૭૪    ૧,૧ર,૬પ૪    પપ.૩૧
૪    ૧૦ર-પાલીતાણા    ર,૪૯,૬૯૭    ૧,૪૭,૮૦ર    પ૯.૧૯
પ    ૧૦૩-ભાવ.ગ્રામ્ય    ર,પ૮,૪૬૭    ૧,૬૦,૭ર૦    ૬ર.૧૮
૬    ૧૦૪-ભાવ.પૂર્વ    ર,૪૩,૪૯૭    ૧,પ૭,૭૮૬    ૬૪.૮૦
૭    ૧૦પ-ભાવ.પશ્ચિમ    ર,૪૧,૭૮પ    ૧,૪૯,૮૯૯    ૬ર.૦૦
    કુલ        ૧૬,ર૭,૯પ૪    ૧૦,૦પ,૪પર    ૬૧.૭૬

Previous articleઅલંગ ખાતેથી તાંબા, પિત્તળ સહીતના ભંગાર સાથે બે શખ્સ ઝડપાયા
Next articleતમામે ખુબ જ પરિશ્રમ કર્યો છે : મુખ્યમંત્રી રૂપાણીનો મત