દિનેશ કાર્તિક અને કૃણાલ પંડ્યાની ઝમકાદાર ફટકાબાજી છતાં ભારત આજે અહીં ત્રીજી અને નિર્ણાયક ટ્વેન્ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવવામાં નિષ્ફળ રહ્યું અને ૪-રનથી એનો પરાજય થયો. આ સાથે ન્યૂઝીલેન્ડ ૨-૧ના માર્જિનથી શ્રેણી જીતી ગયું.
રોહિત શર્માએ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોએ આક્રમક રમત રમીને એમના હિસ્સાની ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૨ રનનો ડુંગર ખડકી દીધો હતો. એના જવાબમાં ભારતનો ટોચના બેટ્સમેનોનો દેખાવ ઠીક રહ્યો હતો. પરિણામે જીત મેળવવાની તાણ ઊભી થઈ હતી. પરંતુ, કાર્તિક અને કૃણાલે સિક્સર-બાઉન્ડરીની રમઝટ બોલાવતાં મેચમાં રોમાંચ ઊભો થયો હતો. આખરે ગૃહ ટીમનો વિજય થયો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૮ રન કરી શકી હતી.
કાર્તિક ૧૬ બોલમાં ૪ સિક્સર સાથે ૩૩ રન અને કૃણાલ ૧૩ બોલમાં બે સિક્સર અને બે બાઉન્ડરી સાથે ૨૬ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંનેએ સાતમી વિકેટ માટે ૬૩ રનની અતૂટ ભાગીદારી કરી હતી.ભારતને છેલ્લી ઓવરમાં જીત માટે ૨૦ રનની જરૂર હતી, પણ કાર્તિક-કૃણાલ આગલી ઓવરના જેવી સિક્સરબાજી કરી શક્યા નહોતા. છેક છેલ્લા બોલે કાર્તિકે સિક્સર ફટકારી હતી, પણ ત્યારે જીત માટે ૧૧ રનની જરૂર હતી. વિજય શંકર ૪૩ રન સાથે ભારતનો ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ૩૮, રિષભ પંતે ૨૮, હાર્દિક પંડ્યાએ ૨૧, વિકેટકીપર ધોનીએ ૨, શિખર ધવને ૫ રન કર્યા હતા. મિચેલ સેન્ટનરે ૩૨ રનમાં ૨ અને ડેરીલ મિચેલે ૨૭ રનમાં ૨ લીધી હતી. સ્કોટ કગલીન અને બ્લેર ટીકનરે ૧-૧ વિકેટ લીધી હતી.અગાઉ ન્યૂઝીલેન્ડના દાવમાં, કોલીન મુનરોએ ૪૦ બોલમાં પાંચ સિક્સર અને પાંચ બાઉન્ડરી સાથે ૭૨ રન ફટકારીને તેની ટીમને ૨૦૦નો આંક પાર કરાવવામાં સિંહફાળો આપ્યો હતો. એણે અને વિકેટકીપર ટીમ સેઈફર્ટે (૪૩) પહેલી વિકેટ માટે ૮૦ રન કર્યા હતા. કેપ્ટન કેન વિલિયમ્સને ૨૭, કોલીન ડી ગ્રેન્ડહોમે ૩૦ રન કર્યા હતા. ડેરીલ મિચેલ ૧૯ અને રોસ ટેલર ૧૪ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કોલીન મુનરોને ‘મેન ઓફ ધ મેચ’ અને ટીમ સેઈફર્ટને ‘મેન ઓફ ધ સીરિઝ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.