સરકાર દ્વારા ધો. ૨ના ૬૩.૭૦ ટકા વિદ્યાર્થીઓને કક્કો અને ૭૦.૬૦ ટકા વિદ્યાર્થીઓને સો એકડા આવડતા ન હોવાનું ચોંકાવનારું પરિણામ તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી ધો. ૨ ના ૬.૨૫ લાખ વિદ્યાર્થી ઓની પરીક્ષામાંથી બહાર આવ્યું છે.
સમગ્ર કવાયત રાજ્ય સરકારે ધો. ૫માં દાખલ કરાયેલી પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધે નહીં અને તે પહેલા જ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પ્રમાણેનું શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુસર ધો.૨માં પરીક્ષા લઇને વિદ્યાર્થીઓના શિક્ષણમાં ગુણાત્મક સુધારો લાવવાનો પ્રયાસ સરકારે હાથ ધર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધો. ૨ની લેવાયેલી પરીક્ષામાં વાંચન અને લેખન વિદ્યાર્થીઓને કેટલું ઊંડાણપૂર્વકનું આવડે છે તેની પરીક્ષા લેવાઇ હતી.
આ પરીક્ષામાં તમામ જોડણીવાળા શબ્દો વિદ્યાર્થીઓ વાંચી શકે છે કે નહીં તેની ચકાસણી પણ કરાઇ હતી. આ ચકાસણીમાં ૭૦.૨૦ ટકા વિદ્યાર્થીઓ એવા હતા કે તમામ જોડણીવાળા શબ્દો વાંચી શકતા ન હતા.
કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ગુજરાત સરકારે ધો. ૫માં પરીક્ષા લઇને વિદ્યાર્થીને નાપાસ કરી શકાશે તે પદ્ધતિ દાખલ કરી દીધી છે. પણ, આ પદ્ધતિમાં ધો. ૧થી ૪ સુધી એકપણ ધોરણમાં વિદ્યાર્થીની પરીક્ષા લેવાય છે, પણ તેમાં નાપાસ કરવામાં આવતા નથી. આથી ધો. ૨થી જ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય સરકારે પ્રયાસ હાથ ધર્યા છે. આ પ્રયાસના ભાગરૂપે ધો. ૨માં લેખન, વાંચન અને ગણનની પરીક્ષા તા. ૮ ફેબ્રુઆરી સુધીમાં તબક્કાવાર લેવાઇ હતી. ધો. ૨ના ૬૩.૭૦ ટકા વિદ્યાર્થીઓને કક્કો અને ૭૦.૬૦ ટકા વિદ્યાર્થીઓને સો એકડા આવડતા ન હોવાનું પરીક્ષાના પરિણામમાં જાહેર થયું હોવાનું સૂત્રોનું કહેવું છે.