કેન્દ્રીય રેલ વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ચાર ઔદ્યોગિક એકમોના કર્મશિયલ પરિવહન માટે ખાસ સોમનાથ-કોડીનાર રેલ પ્રોજેક્ટ અમલી બનાવવા જઇ રહ્યો છે. જે માટે જમીન સંપાદન માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ રેલ પ્રોજેકટથી આ વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ૧૯ ગામોના ૧૩૦૦થી વધુ ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદિત થતી હોવાથી ખેડૂત સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહયો છે. પરંતુ આ રેલ પ્રોજેકટ દેશ અને રાજયના ગૌરવ સમા એશિયાટિક લાયન અને દીપડા સહીતના વન્ય જીવો માટે પણ ખતરારુપ હોવાનું સામે આવ્યું છે.
વન્ય જીવો અને પર્યાવરણ માટે કામ કરતી પર્યાવરણ સુરક્ષા એવમ જનકલ્યાણ સમિતિનાં પ્રમુખ ભગવાન સોલંકીએ વન અને પર્યાવરણ વિભાગ સહિત ના જવાદબાર વિભાગોમાં લેખિત રજૂઆત કરી આ નવા રેલ પ્રોજેક્ટને રદ કરવા માંગ કરી છે. સમિતિના પ્રમુખ ભગવાન સોલંકીના જણાવ્ચા મુજબ, આ રેલ પ્રોજેક્ટ ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતાં ૪૪ થી વધુ સિંહો અને ૧૧૧થી વધુ દીપડા સહિતના વન્ય જીવો માટે ખતરારૂપ સાબિત થશે. કારણ કે, આ રેલ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા વન્ય પ્રાણીઓના કુદરતી આવન-જાવનના લાઇન કોરિડોરમાંથી પસાર થનાર છે.
સોમનાથથી કોડીનાર સુધીમાં હીરણ, સરસ્વતી અને સોમાત આ ત્રણ લાઇન કોરીડોરના ૬ ગામોમાંથી રેલ લાઇન પસાર થશે. જેને કારણે ગીર અભ્યારણ્યમાંથી કોસ્ટલ ફોરેસ્ટ સુધી આવતા સિંહો સહિતના વન્ય જીવોનો કુદરતી માર્ગ બંધ થઇ જશે. તેમજ પીપાવાવની ટ્રેન અડફેટે આવી પ્રાણીઓના મોતને ભેટવાનો સિલસિલો કાયમ બનશે.
એશિયાટિક લાયન સહિતના વન્ય જીવો પર ગંભીર ખતરાની એનજીઓની ચિંતાને સમર્થન આપતા સુત્રાપાડા ફોરેસ્ટ રેન્જમાં ફરજ બજાવી ચુકેલ નિવૃત વન અધિકારી મસરીભાઇ કામળીયાએ જણાવ્યું કે, ગીર અભ્યારણ્યમાંથી સિંહ સહિતના વન્ય જીવોને અહીં દરિયા કાંઠાના જંગલોમાં પુરતો ખોરાક મળી રહેતો હોવાથી આવન જાવન કરતાં રહે છે. ખાસ કરીને વન્ય પ્રાણીઓની આવન-જાવનનો કોઇ ચોક્કસ સમય હોતો નથી. ત્યારે આવી સ્થિતિમાં જો આ વિસ્તારમાં રેલ પ્રોજેક્ટ આવે તો પીપાવાવ રેલ લાઇનમાં જેમ સિંહો મોતને ભેટી રહ્યાં છે તેવી સ્થિતિ આ વિસ્તારમાં પણ સર્જાય તે નક્કી છે. જેથી આ રેલ લાઇન વન્ય જીવો માટે તો જોખમકારક જ છે.
ઉલ્લેખનીય છે કે, ગીરના ઘરેણા અને ગુજરાતનું જેને ગૌરવ માનવામાં આવે છે તેવા એશિયાટીક લાયનના મોતને લઇ હાઇકોર્ટ દ્વારા પણ સરકારને તાકીદ કરવામાં આવી છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા સિંહોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટેની યોજનાઓ અમલી બનાવી ગંભીર હોવાના દાવા કરી રહી છે. ત્યારે સોમનાથ કોડીનાર ખાસ કમર્શિયલ રેલ પ્રોજેકટ સિંહો માટે જાનલેવા સાબિત થાય તે પૂર્વે અટકાવે છે કે કેમ તે જોવું રહ્યું. જોકે સિંહ પ્રેમીઓ આ પ્રોજેક્ટને લઈને સરકાર સામે લડત આપવા પણ તૈયારી કરી ચૂક્યા છે.