ડ્રાઇવિંગ લાઇસન્સની એપોઇન્ટમેન્ટ લેવા ઇચ્છતા નાગરિકોએ હવે આરટીઓ એજન્ટનો સહારો લેવાની જરૂર પડશે નહીં. જેમને ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેતા આવડતું ન હોય તેવા નાગરિકોને હવે આરટીઓની લર્નિંગ લાઇસન્સની ઓન લાઇનની એપોઇન્ટમેન્ટ લેવી હશે તો તેઓ જન સેવા કેન્દ્રથી મેળવી શકશે. નાગરિકો જન્મ મરણના દાખલા, ૭/૧રના ઉતારા સહિતનાં અન્ય કામોની સાથે એક જ સ્થળેથી જન સેવા કેન્દ્રમાંથી લાઇસન્સની ઓન લાઇન એપોઇન્ટમેન્ટ પણ હવે ગણતરીના દિવસોમાં મેળવી શકશે. જન સેવા કેન્દ્રોમાં કામગીરી માટે કર્મચારી મૂકવામાં આવશે. જે લર્નિંગ લાઇસન્સ માટે ડોક્યુમેન્ટસ અપલોડ કરી આપશે અને એપોઇન્ટમેન્ટ કાઢી આપશે. જેથી જે નાગરિકોને આરટીઓના એજન્ટની મદદ લેવી પડે છે તે લેવાની જરૂર નહીં પડે.
રાજ્ય સરકારે આરટીઓનાં તમામ કાર્ય માટે ઓન લાઇન એપોઇન્ટમેન્ટ ફરજિયાત કરી છે. જેના કારણે જે નાગરિકોને કમ્પ્યૂટરનું જ્ઞાન નથી કે જેમની પાસે કમ્પ્યૂટરની સગવડ નથી તેઓએ ફરજિયાત પણે એજન્ટનો સહારો લેવો પડે છે. આ અંગે આરટીઓ જી.એસ. પરમારે જણાવ્યું હતું કે તાજેતરમાં જ સારથિ-૪ સોફટવેર શરૂ કરવામાં આવ્યું છે. તેના પગલે લર્નિંગ લાઇસન્સની તમામ પ્રોસેસ ઓન લાઇન ઘેર બેઠા થઇ શકે છે.
પરંતુ પ૦ ટકાથી વધુ નાગરિકો આ પ્રક્રિયાથી પરિચિત નથી કે તેમની પાસે તે પ્રમાણેની સગવડ નથી તે તમામ માટે કામગીરીની સરળતા માટે જન સેવા કેન્દ્રમાં જ એપોઇન્ટ મળી જાય તેવું આયોજન વિચારણા હેઠળ છે. જેથી લોકોને આરટીઓ કચેરી સુધી આ બાબતે આવવું પડે નહીં. સરકારના ઉચ્ચ વિભાગમાં આ અંગે મંજૂરી માગવામાં આવી છે જે મળી ગયેથી આ વ્યવસ્થા અંગે આયોજન કરાશે. આ કામગીરી માટે કલેકટર કચેરીના જન સુવિધા કેન્દ્ર ઉપરાંત મખ્ય વિસ્તારોના જન સેવા કેન્દ્રો માટે મંજૂરી માગવામાં આવી છે.
રોજના ૪૦૦ જેટલા અરજદારને આરટીઓ કચેરીમાં લર્નિંગ લાઇસન્સ લેવા માટે એપોઇન્ટમેન્ટ અપાય છે પરંતુ કામનું ભારણ વધુ હોવાના કારણે આરટીઓની બે બ્રાન્ચ હોવા છતાં નાગરિકોએ લાઇસન્સ મેળવવા માટે માટે મહિનાથી વધુ સમયની રાહ જોવી પડે છે.