વસંત પંચમી : કરોડો શ્રદ્ધાળુઓની પવિત્ર ડુબકી

514

વસંત પંચમીના દિવસે કુંભમેળામાં આજે ત્રીજા અને છેલ્લા શાહી સ્નાનમાં લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર તીવ્ર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. યોગી સરકારે આસ્થાના આ મહાપર્વ પર પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને અભૂતપૂર્વ તૈયારી કરી છે. સરકારનો અંદાજ છે કે આજે શાહી સ્નાનના પ્રસંગે આશરે ત્રણ કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે પહોંચ્યા હતા. આજે વહેલી પરોઢે સૌથી પહેલા પંચાયતી અખાડા મહાનિર્વાણીના સંતોએ શાહી સ્નાન કર્યું હતું. ત્યારબાદ પંચાયતી અટલ અખાડાના લોકો જોડાયા હતા. બંને અખાડા પોતાના સેકટર-૧૬ સ્થિત શિબિરથી વહેલી પરોઢે ૫.૧૫ વાગે સરઘસ સાથે નિકળ્યા હતા. ૬.૧૫ વાગે સંગમના શાહી સ્નાન ઘાટ ઉપર પ્રથમ શાહી સ્નાન મહાનિર્વાણી અખાડાના સંતોએ કર્યું હતું.

સાથે સાથે અટલ અખાડાના લોકો પણ હતા. ત્યારબાદ બીજા ક્રમમાં પંચાયતી નિરંજની અખાડા, તપોનિધી પંચાયતી આનંદ અખાડાના લોકો ૭.૧૫ વાગે પહોંચ્યા હતા. ત્યારબાદ અન્ય અખડાના લોકો ક્રમશઃ પહોંચ્યા હતા. તમામ અખડાતાઓના સંતોના શાહી સ્નાન બાદ સ્થાનિક લોકો પણ જોડાવવા લાગી ગયા હતા. આજે શુભ મૂહૂર્તુના કારણે વહેલી પરોઢે શરૂઆત થઈ હતી. ગઈકાલે ૫૦ લાખ લોકોએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. તે પહેલા મોની અમાસના દિવસે જ સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ બીજા શાહી સ્નાનના દિવસે પહોંચ્યા હતા.  આજના શાહી સ્નાનને લઇને જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી.કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલા કુંભ મેળાને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે જોરદાર આયોજન કરાયું છે. આના ભાગરૂપે રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે.  સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.  એવી માન્યતા રહેલી છે કે આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે.  આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની ટ્રેનો છે.  કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયા બનાવવામાં આવ્યા છે. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે.હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન રહેશે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે.

Previous articleવિપક્ષ ગુજરાતમાં અગાઉ કરતાં વધુ મજબૂત : શંકરસિંહ વાઘેલા
Next articleNTRની પીઠમાં નાયડુએ ખંજર ભોક્યું : મોદી