અનઅધિકૃત નંબર પ્લેટવાળા વાહનોને ૫૦૦નો દંડ કરાશે

640
guj17122017-7.jpg

રાજ્યના તમામ વાહન ચાલકોએ હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ (એચએસઆરપી) તા.૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધીમાં ફીટ કરાવી લેવાની રહેશે. અનઅધિકૃત નંબર પ્લેટવાળા વાહનોને ગુનાદીઠ રૂા.૫૦૦ સુધીનો દંડ કરાશે. દ્વિચક્રિય અને ત્રિચક્રિય વાહનોમાં રૂા.૮૯ અને ચાર પૈડાંવાળા તથા ભારે વાહનોમાં રૂા.૧૫૦ વધારાનો સર્વિસ ચાર્જ ભરીને અધિકૃત એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવી શકાશે, એમ વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવાયું છે. એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવી એ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. સુપ્રીમ કોર્ટે ૨૩ નવેમ્બરે ગુજરાત સહિત અન્ય ૫ રાજ્યોને નોટીસ આપી છે અને આદેશનો અમલ કરવા રાજ્યોએ શું પગલાં લીધા તેની વિગતો માગી છે. તેથી રાજ્ય સરકાર દ્વારા તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષકને અમલ કરવા સૂચના આપી છે. નવા વાહનોમાં ૧૬ ૧૧/૨૦૧૨થી એચએસઆરપીનંબર પ્લેટ ફીટ કરાવવી ફરજિયાત કરી છે તેનો ચૂસ્તપણે અમલ થાય છે, પરંતુ તે પહેલાના જૂના વાહનો તથા કેટલાક વાહનો પણ એચએસઆરપીનંબર પ્લેટ સિવાય ફરે છે તે કાયદા વિરુદ્ધ છે.
વાહન વ્યવહાર કમિશનર દ્વારા એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવવા માટે વાહન ડીલરો પાસે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આરટીઓ કચેરી ઉપરાંત નજીકના કોઇપણ વાહન ડીલરને ત્યાં રાજ્ય સરકારે અધિકૃત 
કરેલ સર્વિસ ચાર્જથી અધિકૃત એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવી શકાય છે. જેથી તમામ વાહન ચાલકોએ ૧૫મી જાન્યુઆરી ૨૦૧૮ સુધી અધિકૃત એચએસઆરપી નંબર પ્લેટ ફીટ કરાવી લેવી આવશ્યક છે. અન્યથા અન અધિકૃત નંબર પ્લેટવાળા વાહનો પાસેથી દંડ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

Previous articleમતગણતરી : ૩૩ શહેરોમાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવાશે
Next articleઠંડી વધવાની સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો તોળાતો ખતરો