તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન. ચન્દ્રાબાબુ નાયડુએ આજે એક દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી. ભૂખ હડતાળના ગાળા દરમિયાન નાયડુને મળવા માટે અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં સવારે આંધ્ર ભવનમાં પોતાની એક દિવસની ભુખ હડતાળ ચંદ્રાબાબુ નાયડુએ શરૂ કરી હતી. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે નાયડુએ ભુખ હડતાળ કરી હતી. નાયડુની ભુખ હડતાળ સવારે આઠ વાગે શરૂ થયા બાદ રાત્રે આઠ વાગ્યા સુધી ચાલી હતી. તેમની ભુખ હડતાળને ટેકો આપવા માટે વિપક્ષી નેતાઓ પહોંચ્યા હતા. ભુખ હડતાળ પર બેસી ગયેલા નાયડુએ કહ્યુ હતુ કે આજે અમે અહીં કેન્દ્ર સરકારની સામે વિરોધ પ્રદર્શન કરવા માટે એકત્રિત થયા છીએ. ધરણાના એક દિવસ પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે આંધ્રપ્રદેશ પહોંચ્યા હતા. મોદીએ આંધ્રપ્રદેશના ગન્ટુરમાં રેલી કરી હત. જેમાં મોદીએ નાયડુ પર તેજાબી પ્રહારો કર્યા હતા. તમામ લોકો જાણે છે કે ટીડીપી રાજ્યના વિભાજન બાદ આંધ્રપ્રદેશને કરવામાં આવેલા અન્યાયને લઇને એનડીએ સાથે છેડો ફાડી લેવાની જાહેરાત કરી હતી. પોતાની એક દિવસની ભુખ હડતાળના આગામી દિવસે એટલે કે આવતીકાલે મંગળવારના દિવસે નાયડુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દને એક આવેદનપત્ર સુપ્રત કરવાની યોજના ધરાવે છે. મુખ્યપ્રધાને તેમના કેબિનેટના પ્રધાનો, પાર્ટીના ધારાસભ્યો અને સાંસદો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા. રાજ્યના કર્મચારીઓ પણ આમા સામેલ થયા હતા. નાયડુ તેમની વિકાસ યોજનાઓ પર ધ્યાન આપવાના બદલે હાલમાં કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આંધ્રપ્રદેશને ખાસ રાજ્યના દરજ્જા જેટલી જ સહાય કેન્દ્ર સરકારે પુરી પાડી હોવા છતાં આ રકમનો ઉપયોગ કરી શક્યા નથી. મોદીએ ગઇકાલે જ તેમના પર પ્રહારો કર્યા હતા. ટીડીપીના ધરણા પ્રદર્શન અને ભૂખ હડતાળના ગાળા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ પહોંચ્યા હતા. બીજી બાજુ અન્ય પાર્ટીઓના નેતાઓ પણ પહોંચ્યા હતા. આ પહેલા કોલકાતામાં મમતા બેનર્જી દ્વારા પણ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જેમાં ચંદ્રાબાબુ નાયડુ પણ પહોંચ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરવાલ પણ પહોંચ્યા હતા. મમતાની રેલીમાં વિપક્ષી પાર્ટીઓએ એક ગ્રુપતા દર્શાવી હતી. ૨૦૧૯ની ચૂંટણીમાં મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને પરાજિત કરવાની અપીલ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી બપોરના ગાળામાં લખનૌ રવાના થાય તે પહેલા ચંદ્રાબાબુ નાયડુને મળવા માટે પહોંચ્યા હતા.