હાલ લગ્નની સિઝન પુરબહારમાં ચાલી રહી છે ત્યારે એવા એવા કેટલાક કિસ્સાઓ સામે આવે છે જે આપણા સૌનું ધ્યાન ખેચે છે. લગ્ન પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે ઉત્સાહ અને આનંદ હોય પણ આ ઉત્સાહના અતિરેકમાં આપણે ક્યારેક એવી ગંભીર ભૂલો કરી બેસીએ છીએ કે જેનાથી આખી જિંદગી માત્ર પસ્તાવો રહે છે.
હાલમાં જ દ્વારકા અને સુરતમાં લગ્ન પ્રસંગે હવામાં ફાયરિંગની ઘટનાઓ બની હતી. ક્યારેક જોશ કે અતિઉત્સાહમાં આવીને કરવામાં આવતા કામોને કારણે ખુશીનો પ્રસંગને દુઃખ બદલાઈ જતો હોય છે. દ્વારકાના કલ્યાણપુર ગામ ખાતે એક લગ્ન પ્રસંગે ઉંમગમાં આવીને કરવામાં આવેલા ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતુ.
તો સુરત શહેરમાં પણ લગ્નનાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. કલ્યાણપુર ખાતે જાનના આગમન વખતે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ સમયે જાનમાં હાજર એક મહિલાને છરા વાગી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ ગત રવિવારે બન્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
સુરતમાં એક લગ્ન પ્રસંગે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગેનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં વરરાજાના પિતા તેમજ વરરાજા પોતે પણ હવામાં રિવોલ્વરથી ફાયરિંગ કરતા નજરે પડી રહ્યા છે. લગ્નમાં હાજર એક મહિલાએ પણ પોતાના હાથમાં રિવોલ્વર પકડી રાખી હોવાનું માલુમ પડી રહ્યું છે. ફાયરિંગ કરનાર વરરાજા ભાજપી નેતા અને સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખનો પુત્ર નીકળ્યો.
લગ્નમાં ફાયરિંગ સુરતનો આ વીડિયો જિલ્લાના પાલી ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હવામાં ફાયરિંગ કરનાર વ્યક્તિ હિતેન્દ્ર વાસીયા હોવાનું માલુમ પડ્યું છે. તેઓ જિલ્લા કારોબારીના પૂર્વ સભ્ય હોવાની માહિતી મળી છે.