ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ દ્વારા હાલ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમિત શાહ મંગળવારે અમદાવાદમાં ‘મેરા પરિવાર, ભાજપા પરિવાર’ નામના કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેના બાદ પંડિત દિન દયાલ હોલ ખાતે અમિત શાહે ભાજપી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા. અમિત શાહે કહ્યું કે, મારો પરિવાર ભાજપ પરિવાર કાર્યક્રમનો આજથી અમે પ્રારંભ કર્યો છે. મારા ઘરે ધ્વજ ફરકાવ્યાના એક કલાક બાદ ૯૨ હજાર લોકોએ ભાજપનો ઝંડો ફરકાવી ટિ્વટ કર્યું છે. આ વખતે ભાજપના કાર્યકર્તાઓના ૫ કરોડ મત અમને મળશે.
તેમણે લોકસભા ચૂંટણી માટે ભાજપના એક્શન પ્લાન તથા વિવિધ પ્રોજેક્ટ્સ વિશેની વાત કાર્યકર્તાઓની કરી હતી. તેમજ તેમનો જુસ્સો વધાર્યો હતો. તેમણે કહ્યું કે, અમે દિવસરાત સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. આ બધા કામનું એ જ પરિણામ છે કે ૨૦૧૯માં ફરીથી પીએમ મોદીને લાવીએ. હું કાર્યકર્તાઓને આહવાન કરવા આવ્યો છું. ભાજપના ચાર કાર્યક્રમો થકી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે. દરેક રાજ્યમાં વિજય સંકલ્પ રેલી નીકળશે. છાતી ઠોકીને ચૂંટણીના મુદ્દા લઈને જનતાની વચ્ચે જાઓ.
ગઠબંધન વિશે અમિત શાહે કહ્યું કે, ન નેતા છે, ન નીતિ છે. સવાસો કરોડ જનતા જાણવા માગે છે કે તમારો નેતા કોણ છે. સ્પષ્ટ કરો કે કયા નેતા દેશની સરકાર ચલાવશે. કોણ બાગડોર સંભાળશે. ગતિશીલ નેતૃત્વ દેશને મળે છે, તો દેશનું પરિવર્તન થાય છે તે અમે બતાવ્યું છે.
તેમણે કહ્યું કે, ૨૦૧૯નું ઈલેક્શન ભારતને દુનિયામાં મહાસત્તા બનાવવા માટે પ્રયાસ કરીશું. દેશની જનતા નરેન્દ્ર મોદીની સાથે ચટ્ટાનની જેમ ઉભી છે. મોદીજી પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ લોકોના આંખોમાં દેખાય છે. ચૂંટણી લડવાની કલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને શીખવાડવાની જરૂર નથી. ૨૦૧૪માં ૨૬ સીટ આપણે જીત્યા હતા. ફરીથી ૨૬ સીટ જીતવાની છે. દિલમાંથી ગઠબંધનનો ડર કાઢી નાંખો. કાર્યકર્તાઓ આ મામલે મને સવાલ કરે છે. હું કહું છું કંઈ નહિ થાય. દેવગૌડા ગુજરાતમાં આવે અને મમતા મહારાષ્ટ્રમાં જાય, અખિલેશ કેરળમાં જાય તો કોઈ ફરક નહિ પડે. હું યુપીની સારી રીતે જાણું છું. યુપીની જનતાના મૂડને અને કાર્યક્રતાઓની તાકાતને પણ જાણું છું. ૭૩થી વધીને ૭૪ સીટ થશે, પણ ઓછી નહિ થાય. બંગાળમાં જે રીતે આપણા કાર્યર્તાઓ પર અત્યાચાર થાય છે, રેલીઓ અને હેલિોકપ્ટર માટે પરમિશન નથી આપતા. હું મમતા દીદીને કહેવા માગું છું કે, દબાવવાથી ભાજપ દબાતુ નથી. પણ વધુ ઉછળીને આવે છે. ભાજપ ૨૩થી વધુ સીટ બંગાળમાં લાવશે.
અંતે તેમણે ગુજરાતીમાં કહ્યું કે, ગુજરાતીઓને હું બે વાત કહેવા માગુ છું. ગુજરાતે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીજી, ક.મા. મુનશી, સરદાર પટેલે ભાગ લીધો,. આઝાદી બાદ ૭૦ વર્ષ સુધી કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો હતો. મોરારજી દેસાઈ, સરદાર પટેલ અને મોદીજીને કેન્દ્રમાં અન્યાય થયો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતને અન્યાયનો દોર સમાપ્ત થયો છે. હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, મોદીજીની ફરીથી પીએમ બનાવે.
આ કાર્યક્રમ અંતર્ગત અમિત શાહે સોથી પહેલા તો પોતાના નિવાસસ્થાને ધ્વજ ફરકાવ્યો હતો. આ સમયે ભાજપનાં કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સાંસ્કૃતિક કાર્યક્રમોની વચ્ચે ભાજપનો ધ્વજ ફરકાવાયો હતો. જેમાં અમિત શાહ ઉપરાંત ઓમ માથુર, જીતુ વાઘાણી અને અન્ય નેતાઓ હાજર રહ્યા.