ઉઘોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમને ઇશ્વરભાઇ પરમારના હસ્તે ખુલ્લો મુકાયો

692

કોઇ લક્ષ્ય કે ધ્યેયને હાંસલ કરવા માટે ર્દઢ મનોબળથી કાર્ય કરવામાં આવે, તો તે હમેંશા હાંસલ થાય છે, તેવું આજરોજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ઇ.ડી.આઇ.આઇ. કેમ્પસમાં શરૂ કરવામાં આવેલા ઉઘોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમને ખુલ્લો મુકતાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું.

સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ દ્વારા રાજયના અનુસૂચિત જાતિના યુવક/યુવતીઓ માટે ઇ.ડી. આઇ. આઇ., ભાટ ખાતે ઉધોગ સાહસિકતા વિકાસ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરીને મંત્રી ઇશ્વરભાઇ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ થકી ચાલનાર કોર્ષનો તાલીમાર્થી આવતીકાલનો બિઝનેશ આઇકોન પણ બની શકે છે. બિઝનેશ આઇકોન બનવા માટે તાલીમાર્થીઓને પોતાનું કાર્ય મક્કમ મનોબળ સાથે કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. સરકાર યુવાનો માટે શું કર્યું છે અને શું કરવા ઇચ્છે  છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. ઇ.ડી.આઇ. આઇ દ્વારા તાલીમ વર્ગમાં ૩૦થી વધુ યુવાનોને પ્રવેશ કેમ નથી આપવાની તેના પાછળની પણ વિસ્તૃત વાત કરી હતી. તેમજ આ કાર્યક્રમ રાજયના ૨૦ જિલ્લાઓમાં યોજાશે. તેમજ ૯૦૦ થી વધુ આશાસ્પદ ઉધોગ સાહસિક યુવાનોને તાલીમ આપી તેમને અન્યને રોજગારી આપી શકે તેવા સક્ષમ બનાવવામાં આવશે. સ્કીલ ઇન્ડિયા, મેકીંગ ઇન્ડિયા જેવા સરકારના વિવિધ કાર્યક્રમો પાછળના ઉમદા આશયની વાત પણ કરી હતી.

દેશમાં ઉઘોગ સાહસિક યુવાનોની ખૂબ જરૂર છે. ગુજરાત દેશમાં આ ઉઘોગ સાહસિકતામાં અગ્રેસર છે. દેશના જી.ડી.પી.માં ગુજરાતનો ફાળો ૩૫ થી ૪૦ ટકા જેટલો છે. જી.ડી.પી.સર્વિસ સેકટર અને ઉઘોગ સેકટરનું યોગદાન વઘી રહ્યું છે. આ તાલીમમાં ઉઘોગ શરૂ કરવા માટે શું કરવું અને ઉઘોગમાં સફળ કેવી રીતે થઇ શકે તે માટેનું યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ અન્ય પરિબળો વિશે પણ ખૂબ જ વિસ્તૃત સમજ વિષય તજજ્ઞો દ્વારા આપવામાં આવશે.

કાર્યક્રમના આરંભે ઇ.ડી. આઇ. આઇ. ના નિયામક ર્ડા. સુનિલ શુકલાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ સંસ્થાના પ્રોઝેકટ નિયામક એસ.બી.સરીનએ તાલીમ વિશેની વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમના અંતે સંસ્થાના ફેકલટી પ્રકાશ સોલંકીએ આભારવિઘી કરી હતી.

Previous articleડભોડાના એનએસએસ કેમ્પમાં શાળા-કોલેજના ૧૫૦ છાત્ર જોડાયા
Next articleપોરબંદરમાં સિંહનો આધેડ પર હુમલો