કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ફરી આકરા પ્રહાર કર્યા છે. મંગળવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ એક ઈમેલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, એરબેઝ કંપનીના એક્ઝિક્યૂટિવે ઈમેલમાં લખ્યું છે કે, અનિલ અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રીને મળ્યા હતા. તેમણે એક્ઝીક્યૂટિવને કહ્યું હતું કે, ૧૦ દિવસ પછી રાફેલ ડીલ થવાની છે અને તે મને મળવાની છે. રાહુલે આરોપ લગાવ્યા છે કે, ડીલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીના વચેટિયા તરીકે ભૂમિકા નીભાવી છે. રાહુલે સવાલ ઉભા કર્યા છે કે,જ્યારે ડીલ થઈ ત્યારે તે અંગે ભારતના તે સમયના રક્ષા મંત્રી, એચએએલ અને વિદેશ મંત્રીને પણ કંઈ જ જાણ નહતી. પરંતુ રાફેલ ડીલના ૧૦ દિવસ પહેલાં જ અનિલ અંબાણીને આ વિશે કેવી રીતે ખબર પડી? તેનો અર્થ એવો થયો કે, વડાપ્રધાન અનિલ અંબાણીના મિડલ મેન તરીકે કામ કરી રહ્યા હતા. માત્ર આ જ આધાર પર ટોપ સિક્રેટ કોઈની સાથે શેર કરવા માટે વડાપ્રધાન પર કેસ થવો જોઈએ. તેમને જેલ પણ મોકલવા જોઈએ. આ દેશદ્રોહનો કેસ છે. રાહુલનો આરોપ છે કે, અનિલ અંબાણીએ ડિફેન્સ મિનિસ્ટર સાથેની મીટિંગમાં કહ્યું હતું કે, મોદી ફ્રાન્સની મુલાકાત સમયે એક એમઓયુ પર સાઈન કરશે. અંબાણીને ડીલના ૧૦ દિવસ પહેલાં જ ખબર પડી ગઈ હતી કે આવી ડીલ થવાની છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદી ભ્રષ્ટ વ્યક્તિ છે. તેમણે દેશની સુરક્ષા સાથે સમજૂતી કરી છે અને ઓફિશિયલ સિક્રેટ પેક્ટ તોડ્યું છે. તેથી તેમના પર કાયદાકીય કેસ ચાલવો જોઈએ. વડાપ્રધાન દેશની સુરક્ષા સાથે સમજૂતી કરી છે. રાહુલે એવો પણ આરોપ લગાવ્યો છે કે, અનિલ અંબાણી ફ્રાન્સના રક્ષા મંત્રીને ફોર ધી ચોકીદાર અને બાય ધી ચોકીદાર એટલે કે વડાપ્રધાન તરફથી મળ્યા હતા. અનિલ અંબાણીએ મીટિંગમાં કહ્યું હતું કે, તેમને ખબર છે શું થવાનું છે.
રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે, હવે જનતાએ નિર્ણય લેવાનો છે કે, દેશના જે સૌથી મોટા સુરક્ષા સોદા વિશે રક્ષા મંત્રી, રક્ષા સચિવને ખબર નથી તે વિશે અનિલ અંબાણીને કેવી રીતે ખબર પડી? સરકાર અમારી ભલે ગમે તેટલી પૂછપરછ કરાવી લે પરંતુ વડાપ્રધાન આ કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)નું ગઠન કરવું જોઈએ. તેઓ જેપીસીની કમિટી બનાવવામાં ગભરાઈ કેમ રહ્યાં છે?
રાહુલ ગાંધીએ કેગના રિપોર્ટને ચોકીદારનો જનરલ રિપોર્ટ કહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાને રક્ષા સોદામાં રાષ્ટ્રીય સુરક્ષા સામે રમત રમી છે. તેઓ એવી વ્યક્તિને માહિતી આપી રહ્યા છે જે યોગ્ય નથી. મોદીએ જે કર્યું તે એક જાસૂસી જેવું કામ છે. તેમણે ગોપનીયતાના શપથ લીધા હતા. કોઈને રક્ષા મામલે સિક્રેટ શેર કરવા તે રાજદ્રોહ છે.