ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે આ વખતે સારુ પ્રદર્શન કરવામાં સફળ થઇ હોય પરંતુ સત્તા મેળવવાની જે અદ્ભુત અને જબદસ્ત તક મળી હતી, તે તેણે આ વખતે ગુમાવી દીધી છે, તે કોંગ્રેસ માટે સૌથી આઘાતજનક સમાચાર છે. કારણ કે, આ વખતે કોંગ્રેસને હાર્દિક પટેલ ફેકટરની સૌથી મોટી મદદ મળી રહી તો એ સિવાય ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં ભળી જઇ તેનું બળ વધાર્યું અને છેલ્લે છેલ્લે દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ પણ ભાજપને હરાવવાનું પ્રણ લઇ કોંગ્રેસને આડકતરો ટેકો જાહેર કર્યો. આમ, ત્રણેય જાત-સમુદાયના વિશાળ વર્ગનું પીઠબળ અને નોટબંધી, જીએસટી, મોંઘવારી સહિતના અનેક મુદ્દાઓ અને ભાજપ વિરૂધ્ધનો લોકોમાં એક પ્રકારનો આક્રોશ હાથમાં હોવાછતાં કોંગ્રેસે ગુજરાતની સત્તા ગુમાવી તેથી હવે ફરીથી ભવિષ્યમાં કોંગ્રેસને આવા સંજોગો, આવું પીઠબળ અને તાકાત-સાથ અને ભાજપ સામેનો લોકવિરોધ હાથમાં નહી આવે અને તેથી કોંગ્રેસને હવે ભવિષ્યની વિધાનસભા ચૂંટણીમાં જીતવું બહુ મુશ્કેલ બની જશે કારણ કે, કોંગ્રેસે એકલા હાથે જ લડવું પડશે. કોંગ્રેસ માટે બીજા આંચકાજનક સમાચાર એ હતા કે, રાહુલ ગાંધીના મરણિયા પ્રયાસો છતાં કોંગ્રેસના શકિતસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિતના દિગ્ગજોની અણધારી હાર થઇ છે. પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાને ભાજપના કદાવર નેતા બાબુ બોખીરિયાથી હાર મળી છે, તો, માંડવી બેઠક પરથી કોંગ્રેસના સિનિયર નેતા શકતિસિંહ ગોહિલ ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજા સામે હારી ગયા. શકિતસિંહ અબડાસાના ધારાસભ્ય હતા પરંતુ તેમણે આ વખતે પોતાની બેઠક બદલી તોય તેમને બેઠક બદલવાનો ફાયદો ના મળ્યો.
ડભોઇથી કોંગ્રેસના સિધ્ધાર્થ પટેલ અને મહુવા(એસટી) બેઠક પરથી તુષાર ચૌધરીને હારનો સામનો કરવો પડયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની કારમી હારને પગલે કોંગ્રેસની છાવણીમાં રીતસરનો સોપો પડી ગયો હતો. કોંગ્રેસના આ દિગ્ગજો માટે તો પક્ષને પણ બહુ અપેક્ષા હતી પરંતુ પક્ષની આ આશા અને અપેક્ષા પર પાણી ફરી વળ્યુ. બીજીબાજુ, કોંગ્રેસમાં નવી એન્ટ્રી લેનાર ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી જીત મેળવી કોંગ્રેસની કંઇક અંશે પણ લાજ રાખી હતી. કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન સુરતમાં રહ્યું કે, જયાં સમ ખાવા પૂરતી એકાદ-બે બેઠકો માંડ કોંગ્રેસને મળી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની સ્થિતિ કંઇક અંશે સારી જણાતાં પક્ષનો દેખાવ અને સ્થિતિ ગત ચૂંટણી કરતાં સારા રહ્યા.