સત્તાની સાઠમારીઃ ભાજપના હોદ્દેદારો-કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી

616

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ભાજપ યુવા મોરચામાં એક કાર્યકર્તાને નહીં સમાવવા મામલે જાહેરમાં ભાજપ પક્ષના ચાંદખેડા વોર્ડના મહામંત્રી યુવા મોરચાના મહામંત્રી તથા કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા ચકચાર મચી ગઈ છે. જાહેર રોડ પર થયેલી આ બબાલમાં પોલીસે સામસામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

ચાંદખેડા વિસ્તારમાં આવેલ દિવ્યપુંજ શાલોમમાં રહેતા ગૌરાંગ રામજીભાઇ આસો?ડિયાએ ભાજપ પક્ષના ચાંદખેડા વોર્ડના મહામંત્રી તેમજ યુવા મોરચાના મહામંત્રી સહિત ચાર લોકો વિરુદ્ધમાં માર મારીને જાતિવાચક શબ્દો બોલવા બદલ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ભાજપ પક્ષના ચાંદખેડા વોર્ડના મહામંત્રી વિનોદ વ્યાસ, ભાજપના યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામી તેમજ ભાજપ પક્ષના કાર્યકર્તા મનોજ બબ્બર ગઇ કાલે સત્યમેવ કોમ્પ્લેક્સમાં ગૌરાંગના ભાઇ હિતેશ સાથે બોલાચાલી-ઝઘડો કરતા હતા અને જાતિવાચક શબ્દો બોલીને કહેતા હતા કે તને ભાજપની યુવા મોરચાની બોડીમાં લેવાના નથી.

ત્રણેય જણા હિતેશને ગાળો બોલતા હતા ત્યારે ગૌરાંગ તેમની પાસે આવ્યો હતો અને ગાળો બોલવાની ના પાડી હતી. સત્યમેવ કોમ્પ્લેક્સમાં ટ્યૂશન ક્લાસીસ હોવાથી ગૌરાંગે તમામને ગાળાગાળી નહીં કરવાનું કહેતાં ત્રણેય જણા ઉશ્કેરાઇ ગયા હતા અને ગૌરાંગ પર હુમલો કરી દીધો હતો. હિતેશ તેને છોડાવવા વચ્ચે પડતાં ત્રણેય જણાએ તેને પણ માર્યો હતો જ્યારે ગૌરાંગના પિતા રામજીભાઇને પણ માર માર્યો હતો. કમલેશ, વિનોદ અને મનોજ સાથે અન્ય એક વ્યકિત પણ હાજર હતી, જેને પણ ગૌરાંગ, હિતેશ અને રામજીભાઇને માર માર્યો હતો.

જાહેર રોડ પર બબાલ થતાં મામલો બીચક્યો હતો, જેથી આસપાસના લોકો ભેગા થઇ ગૌરાંગને માથાના ભાગે લોહી નીકળતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન હિતેશની દોઢ તોલાની સોનાની ચેઇન ખેંચીને ચાર આરોપી પૈકી એક લઇ ગયા હતા. બબાલ સમયે વિનોદ વ્યાસે તીક્ષ્ણ હિરથયાર બતાવીને હિતેશને ધમકી આપી હતી કે હું ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી છું અને મારી વગ છેક ઉપર સુધી છે. તમે મારું કંઇ બગાડી નહીં શકો, હું ધારીશ તો તમને લોકોને ખોટા કેસમાં ફસાવીને તડીપાર તેમજ પાસા જેવી સજા કરાવીશ. તમારાથી જે ભડાકા થાય તે કરી લો. ચાંદખેડા પોલીસે ચાર લોકો વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ તેમજ લૂંટ અને મારામારી કરવા બદલ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બીજી તરફ ચાંદખેડા વોર્ડના મહામંત્રી વિનોદ વ્યાસે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હિતેશ, ગૌરાંગ અને તેના પિતા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે યુવા મોરચાના મહામંત્રી કમલેશ ગોસ્વામીએ વિનોદ વ્યાસને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે હિતેશ ઉર્ફે પપ્પુ, તેનો ભાઇ ગૌરાંગ મને માર મારીને સત્યમેવ હોસ્પિટલથી ઉઠાવીને લાવ્યા છે અને તમને તથા અતુલ મિશ્રાને બોલાવે છે, તમે જલદી આવી જાવ.તમે આવશો પછી મને છોડશે. કમલેશની વાત સાંભળીને વિનોદ વ્યાસ તાત્કાલિક સત્યમેવ કોમ્પ્લેક્સ પહોચી ગયા હતા, જ્યાં તેમની સાથે મનોજ બબ્બર પણ હાજર હતો. બન્ને જણા હિતેશ પાસે પહોંચ્યા ત્યારે તેમની વચ્ચે ગાળાગાળી થઇ હતી, જેમાં હિતેશ અને ગૌરાંગ અને તેના પિતાએ વિનોદ, કમલેશ, મનોજ પર હુમલો કરી દીધો હતો.

ચાંદખેડા પોલીસે આ મામલે હિતેશ તેમજ તેના ભાઇ ગૌરાંગ અને પિતા વિરુદ્ધમાં મારામારીનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. હિતેશ વિનોદ સાથે રહીને ભાજપ પક્ષમાં કામ કરે છે ત્યારે ગઇ કાલે બન્ને પક્ષે થયેલી બબાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Previous articleસે-૪ની યુવતી સ્વાઇનફ્‌લૂમાં સપડાઇઃશહેરમાં કુલ ૧૪ કેસ
Next articleસર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓને આનંદો! પગારમાં થયો ૭ ટકાનો વધારો