ગુજરાતમાં સત્તાને બચાવવા મોદી સંકટમોચક બની ગયા

1056
guj-19-12-2017-1.jpg

 ગુજરાત વિધાન સભાની ચૂંટણીના ચઢાણ આ વખતે ભાજપ માટે બહુ કપરા અને અઘરા હતા કારણ કે, કોંગ્રેસની જોરદાર વળતી લડત, રાહુલ ગાંધીના મેચ્યોર્ડ પ્રચાર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર એ ત્રણેય યુવા નેતાઓની કોંગ્રેસને મદદની સાથે સાથે આ વખતે રાજયની પ્રજામાં ભાજપ પરત્વેના આંતરિક રોષને લઇ ભાજપ માટે સત્તા બચાવવી બહુ મુશ્કેલ હતી. બે મહિના પહેલાં તો ગુજરાતનું ચૂંટણી ચિત્ર એવું 
લાગતું હતું કે, આ તમામ પરિબળો એન્ટી ઇન્કમબન્સી ફેકટર વચ્ચે ભાજપ સત્તામાંથી ફેંકાઇ જશે પરંતુ છેલ્લી ઘડીયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ભાજપના સંકટમોચક તારણહાર બનીને વહારે આવ્યા હતા અને છેલ્લા દોઢેક મહિનામાં મોદીએ આખુ વાતાવરણ ભાજપ તરફી પલટી નાંખ્યું હતું. મોદી લહેર અને મોદી મેજીકના લીધે જ આજે ગુજરાતના પરિણામો ભાજપની ફેવરમાં આવ્યા અને ફરી એકવાર ભાજપ તેની સત્તા બચાવવામાં સફળ રહી. ગુજરાત સહિત દેશ અને દુનિયાના રાજકીય વિશ્લેષકો મોદીની જાદુઇ તાકાતને માની રહ્યા છે. ગુજરાતની સાથે સાથે હિમાચલપ્રદેશમાં પણ મોદી મેજીક ચાલી ગયો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યું હતું. ખાસ કરીને રાહુલ ગાંધીએ જાતે પ્રચારનું સુકાન સંભાળી ગુજરાતની ચૂંટણીની 
જવાબદારી સીધી પોતાની હાથમાં લીધી હતી અને તે કારણથી જ રાહુલ ગાંધીએ છેલ્લા ત્રણ મહિના ગુજરાતમાં ૧૦૯ જેટલી પ્રચારસભાઓ, લોકસંવાદ, રોડ શો સહિતની રણનીતિ અપનાવી કોંગ્રેસ તરફી જબરદસ્ત લોકજુવાળ ઉભો કર્યો હતો. એટલે સુધી કે, રાહુલ ગાંધીએ આ વખતે ભાજપના હાથમાંથી સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ પણ આંચકી લીધુ હતું અને પોતે રાજયના મહત્તમ મંદિરોમાં દર્શન કરી હિન્દુત્વનું કાર્ડ ખેલી કાઢયું હતું, જેને લઇને પણ ભાજપ બેકફુટ પર ધકેલાઇ ગયું હતું. રાહુલ ગાંધીને આ વખતે ગુજરાતમાં અભૂતપૂર્વ અને પ્રચંડ લોકસત્કાર અને જનસમર્થન પણ પ્રાપ્ત થયા હતા, જે જોઇ ખુદ ભાજપની નેતાગીરી પણ ચોંકી ગઇ હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પરથી ભાજપની પકડ ઢીલી પડી રહી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખુદ અહીં ધામા નાંખ્યા હતા અને સમગ્ર પ્રચાર કમાન અને રાજકીય વ્યૂહરચના સંભાળી હતી. આમ તો બધુ બરોબર ચાલતું હતું પરંતુ પ્રજાનો ઝોક જે પ્રકારે ભાજપ તરફથી જોઇએ તે ઝોક વર્તાતો ન હતો અને તેથી પ્રદેશ નેતાઓથી લઇ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ મૂંઝવણમાં હતા કારણ કે, ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષથી ચાલી આવતી ભાજપની સત્તા બચાવવાનો મોટો પડકાર હતો. બસ દોઢ મહિનો બાકી હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આખીય વાત અને વાતાવરણનો અણસાર આવી ગયો.
ગુજરાતની સત્તા અને ભાજપની શાખ બચાવવા માટે તેઓ જાતે રણમેદાનમાં ઉતર્યા. છેલ્લા દોઢેક મહિનામાં વડાપ્રધાન મોદીએ ૩૬થી વધુ જાહેરસભાઓ ગજવી પ્રચંડ લોકજુવાળ ભાજપની તરફેણમાં ઉભો કરી નાંખ્યો. બાકી રહ્યું હતું તો, ચૂંટણીના છેલ્લા દિવસોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યરે મોદીને નીચ શબ્દ કહી ભાજપ માટે જોરદાર પ્લેટફોર્મ તૈયાર કરી નાંખ્યું હતું..બસ મોદીએ તક ઝડપી લીધી. પોતાને ગાળ દેવાના મુદ્દાને ગુજરાતનો મુદ્દો બનાવી જનતાને મતદાન કરી આ વાતનો બદલો લેવા હાકલ કરી નાંખી હતી. મોદીના ક્રેઝમાં પહેલેથી જ તરબોળ થયેલી જનતાએ છેલ્લી ઘડીયે ભાજપ તરફી મતદાન કરી મોદીના શબ્દોની લાજ રાખી લીધી હતી. મોદીએ ગુજરાતમાં ભાજપની શાખ બચાવવા એટલી મહેનત કરી હતી કે, છેલ્લા પ્રચાર ભાષણોમાં તો મોદીનું ગળુ પણ બેસી ગયુ હતુ અને અવાજ પણ ગળામાંથી નીકાળવો મુશ્કેલ બની ગયું હતું પરંતુ તેમણે આરામ કર્યો ન હતો અને સતત પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને પોતાની ફરજ નિભાવ્યે રાખી અને આજે પરિણામ આપણી સામે છે. ગુજરાત જ નહી દેશ અને દુનિયાના રાજકીય વિશ્લેષકો ગુજરાત અને હિમાચલપ્રદેશના પરિણામો જોઇ મોદીની તાકાતને સલામ કરી રહ્યા છે. 

Previous article કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની સુવર્ણ તકને ગુમાવી દીધી 
Next articleપાટનગરની કોલેજમાં વ્યસન મુક્તિ પર સેમિનાર યોજાયો