રાજસ્થાનમાં ગુર્જર આંદોલન આજે પણ યથાવત રીતે જારી રહેતા લોકોની મુશ્કેલી વધી હતી. આજે બુધવારના દિવસે વધુ ૩૧ ટ્રેનો રદ કરવામાં આવી હતી. આંદોલન ઉપર ઉતરેલા લોકો દ્વારા તેમની માંગને લઇને મક્કમ વલણ અપનાવવામા ંઆવી રહ્યુ છે જેથી આંદોલન જારી રહ્યુ છે. આવતીકાલે પણ ટ્રેન સેનાને માઠી અસર થઇ શકે છે. પાંચ ટકા અનામતની માંગ સાથે જારી ગુર્જર સમુદાયનુ આંદોલન આજે છઠ્ઠા દિવસે પણ જારી રહેતા તેની માઠી અસર થઇ હતી. રાજસ્થાનમાં પાંચ ટકા અનામતની માંગની સાથે ગુર્જર નેતાઓનું આંદોલન આજે છઠ્ઠા દિવસે પણ જારી રહ્યું હતું. ગુર્જર નેતા કિરોડીસિંહને જિલ્લા કલેક્ટરે લાલઆંખ કરીને નોટિસ ફટકારતા હવે આ મામલામાં નવો વળાંક આવી શકે છે. કિરોડીસિંહ તેમના સમર્થકો સાથે શુક્રવાર બાદથી નોર્થવેસ્ટર્ન રેલવે ઉપર સ્થિત સવાઈ માધોપુર-બયાના વચ્ચે રેલવે ટ્રેક ઉપર આંદોલન કરી રહ્યા છે. આંદોલનના કારણે આજે પણ અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. રવિવારે આંદોલન હિંસક બનતા અનેક વાહનોને આગ ચાંપી હતી. પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા વાટાઘાટો માટે ત્રણ સભ્યોની પ્રધાનસ્તરની સમિતિ રચી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરોધને ખતમ કરવા ગુર્જર સમુદાયના લોકોને અપીલ કરી ચુક્યા છે. વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં ૨૦ દિવસનું અલ્ટિમેટમ સરકારને અપાયું હતું.
અનેક જગ્યાઓએ સીઆરપીસીની કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી છે. ધૌલપુરમાં સીઆરપીસીની કલમ હેઠળ પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા છે. કરોલી જિલ્લામાં પણ આવી જ હાલત બનેલી છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવામાં આવી ચુકી છે જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે.
ગુર્જર સહિત પાંચ જાતિઓને પાંચ ટકા અનામતનું બિલ રાજસ્થાન વિધાનસભામાં પાસ
રાજસ્થાનમાં ગુર્જર સહિત પાંચ જાતિઓને પાંચ ટકા અનામત આપવાને લઇને બુધવારે વિધાનસભામાં બિલ પાસ થયું છે. જેમાં સરકારી નોકરીઓની સાથે જ શૈક્ષણિક સંસ્થાઓમાં અલગથી અનામત આપવાની જોગવાઈ છે. છેલ્લા થોડા દિવસોથી ગુર્જર સમાજ અનામતને લઇને આંદોલન કરી રહ્યો છે. બુધવારે પણ સીકરમાં રોડ પર ચક્કાજામ કરી રહેલ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને હટાવ્યા હતા. તેની સાથે જ હિંડૌન, મલરાના સહિત કેટલીક જગ્યાઓ પર પ્રદર્શનકારીઓએ રેલ અને રોડ રસ્તા બંધ કરી દીધી હતા. વિધાનસભામાં કેબિનેટ મંત્રી બીડી કલ્લાએ બિલ રજૂ કર્યું. જેમાં બંજારા, ગાડિયા લૌહાર, ગુર્જર, રેબારી, ગડરિયા જાતિઓને અનામત આપવાનો ઉલ્લેખ કરાયો છે. નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે, સંવિધાનમાં સંશોધન વગર અનામની માગનો ઉકેલ કરવો મુશ્કેલ છે. જે પહેલા પણ કેટલીક વાર અનામત આપવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ કોર્ટમાં જઇને મામલો અટકી જાય છે.
મહત્વનું છે કે, ગઇકાલે રાજસ્થાનમાં ગુર્જરોને અનામતને લઇને ગહેલોત સરકારે જણાવ્યું હતું કે, ગુર્જરોને અનામત માટે રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ આવશે. સરકારના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવ પસાર થયા બાદ ગુર્જરોની માગ પૂરી થઇ જશે અને ત્યાર બાદ તેમના આંદોલનનો અંત આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુર્જર સમાજને અનામતની માગને લઇને પોતાનું આંદોલન શરૂ કર્યું હતું. કેટલીક જગ્યાએ રેલવે પાટા પર ઉમટી આવ્યા હતા. આંદોલનકારીઓએ દિલ્હી મુંબઇ રેલમાર્ગ પર રેલવેની અવર જવર રોકી દીધી હતી. ગુર્જર સમુદાયના લોકોની રાજસ્થાનમાં નોકરીઓ અને કોલેજોમાં પાંચ ટકા આરક્ષણની માગ છે.