કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશનો હવાલો મળ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી મેદાનમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યાલય નહેરુ ભવનમાં તેમણે કાર્યકરો સાથે ૧૬ કલાકની લાંબી બેઠક કરી હતી. આ બેઠક આખી રાત ચાલી હતી. મંગળવારે શરૂ થયેલી બેઠક બુધવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે પૂરી થઈ. બેઠક પછી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેમનો પીએમ મોદી સાથે કોઈ જ મુકાબલો નથી પરંતુ રાહુલ ગાંધી પીએમ મોદીને સીધી ટક્કર આપશે. આથી હું ચૂંટણી લડવાની નથી. પ્રિયંકા ગાંધીએ મંગળવારે રાત્રે અલગ અલગ લોકસભા વિસ્તારમાંથી આવેલા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું તેમની ટક્કર પીએમ મોદી સાથે હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, મારી સાથે નહીં પરંતુ રાહુલજી સાથે તેમનો મુકાબલો હશે. રાહુલ લડી રહ્યા છે. પાર્ટી કાર્યકરો સાથે બેઠકને લઈને તેમણે કહ્યું કે, અહીં મોટા પરિવર્તનની જરૂર છે. પ્રિયંકાએ કહ્યું, “હું સંગઠન અંગે શીખી રહી છું. હું લોકોને સાંભળી રહી છું. ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેના પર વાત થઈ રહી છે. આ દરમિયાન પોતાના પતિ રોબર્ટ વાડ્રાની થઈ રહેલી પૂછપરછ અંગે પ્રિયંકાએ મૌન તોડ્યું હતું. “આવું બધું ચાલતું રહેશે. હું મારું કામ કરતી રહીશ. મને કોઈ ફરક નથી પડતો,” એમ પ્રિયંકાએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે હાલના દિવસોમાં ઈડીની ટીમ સતત પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહી છે. પહેલા દિલ્હીમાં ઈડીએ તેમની પૂછપરછ કરી હતી, બાદમાં જયપુર ખાતે ઈડીના અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી.