રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતના ધરમપુરથી લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો છે. ધરમપુરના ઐતિહાસિક લાલ ડુંગરી મેદાનથી રાહુલ ગાંધી ૫ લોકસભા મત વિસ્તારને આવરી લેતી સભાને સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં આક્રમક મૂડમાં આવેલા રાહુલે મોદી પર પ્રહાર કરતા ચોકીદાર ચોર છે ના નારા લગાવી જણાવ્યું હતું કે, પહેલાં અચ્છે દિનના નારા લાગતા હવે ચોકીદાર જ ચોર છેના નારા લાગે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને રાફેલ મુદ્દે આડેહાથ લેતા કહ્યું કે, ચોકીદારની ચોરી પકડાઈ ગઈ છે. અનિલ અંબાણીને એક ઝાટકે ૩૦ હજાર કરોડ આપી વાયુસેના પાયલોટના ખીસ્સાના રૂપિયા છીનવી લીધા. ફાંસના રાષ્ટ્રપતિને પણ મોદીએ કહ્યુ એચએએલને હટાવો અંબાણીને આપો એટલે હવે ચોકીદાર ચોર છે ના નારા દેશ બહાર ફ્રાંસમાં પણ લાગે છે. બધાને ખબર છે પરંતુ આ ચોરી વિષે મોદી એક શબ્દ પણ બોલતા નથી. લોકસભામાં દોઢ કલાક ભાષણ આપ્યું તેમાં રાફેલનો ર પણ બોલ્યા નહીં. અને કોઈ સાથે તેઓ નજર પણ મિલાવી શકતા નથી.
રાહુલ ગાંધીએ આદિવાસીઓને સંબોધતા કહ્યું કે, અમારી લડાઈ જળ,જમીન અને જંગલના મુદ્દે છે. વિકાસના કામોનો વિરોધ નથી પણ ખેડૂતોની જમીનની ઓછા ભાવ આપીને આ કરવું યોગ્ય નથી. સાગરમાલા, ભારતમાલા, બુલેટટ્રેન, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોરના નામે આદિવાસીઓની જમીનના ઓછા આપો તે નહીં ચાલે. અમે ભૂમિ અધિગ્રહણ બીલ લાવેલા તેમાં મોદીએ ફેરફાર કરીને તેની શક્તિ ઘટાડી નાખી છે. અમે ફરી એ બીલ લાવીશું અને છતિસગઢમાં ટાટાએ પાંચ વર્ષમાં કામ ન શરૂ કરતાં જમીન ખેડૂતોને પરત કરી. રાહુલ ગાંધીએ દેવા માફીના વચન અંગે કહ્યું કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતિસગઢમાં ૧૦ દિવસમાં દેવા માફીની વાત કરી હતી. પરંતુ પાંચ કલાક અને ત્રણ દિવસમાં દેવા માફ થયાં. ઉદ્યોપતિઓના મોદી સરકાર કરે તો અમે ખેડૂતોના દેવા માફ કરીશું. મોદીએ રાત્રે આઠ વાગ્યે જાહેરાત કરીને દેશને લાઈનમાં લગાવી દીધો હતો. આ લાઈનમાં કોઈ કરોડપતિ જોવા નહોતો મળ્યો.
અનિલ અંબાણી ક્યાંય દેખાય નહોતાં. જય શાહના ૭૦૦ કરોડ વાઈટ થઈ ગયાં અને કરોડપતિઓના રૂપિયા પાછલા દરવાજે બેંકમાં જતાં હતાં. શું મોદી તમામ ગરીબો અને નાના કામદારોને ચોર સમજે છે. કાળું નાણું આવવાનું તો દૂર રહ્યું પરંતુ અર્થતંત્રની કમર નોટબંધીએ ભાંગી નાખી.
જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહેતા રાહુલે કહ્યું હતું કે, જીએસટીએ નાના અને મધ્યમ દુકાનદારોથી લઈને વેપારીઓના ધંધા ભાંગી નાખ્યાં છે. પાંચ પ્રકારના ટેક્સ રાખ્યાં છે. અમારી સરકાર બનશે એટલે પારદર્શક જીએસટી લાવીશું. જેમાં આટલી જટીલતા નહી હોય ઈન્કમ ટેક્સ પોલીસથી કોઈને ડરવાની જરૂર નહીં રહે તમામના ધંધા યોગ્ય રીતે ચાલશે. અને બધા સન્માન જનક જીંદગી જીવશે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓને ફરિયાદ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તમે મને ઓછો બોલાવો છો. મને અહીં બહુ ગમે છે અહીંના લોકો અહીંનું જમવાનું બહુ ભાવે છે. મને અહીં ખૂબ પ્રેમ મળ્યો છે મને વધારે બોલાવો અને જ્યારે પણ ગુજરાતીઓને મારી જરૂર હશે અડધી રાત્રે પણ આવવા તૈયાર છું. ગુજરાતે હંમેશા દેશને દિશા બતાવી છે. ફરી દેશને જોડવાનું કામ ગુજરાતમાંથી થાય તેવી આશા રાખતો હોવાનું રાહુલે વધુમાં ઉમેર્યું હતું.
રાહુલ ગાંધીએ કહ્યું કે બજેટમાં છ હજાર રૂપિયા આપવા પર પાંચ મિનિટ બધાએ તાળીઓ પાડી. પરંતુ આ તાળીઓ નહોતી આ ગરીબ ખેડૂતોનું અપમાન કહેવાય. અમે સાડા ત્રણ કે સતર રૂપિયા નહીં પરંતુ અમે ડાયરેક્ટ ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરાવીશું. અમે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ.
મનકી બાત કરતા વડાપ્રધાનની જેમ અમે એવી વાતો નહી કરીએ અમે તમારા માટે કામ કરવાના છીએ. અમારા માટે તમે માલિક છો માટે તમારી વાત અમે સાંભળીશું અમે જ્યાં સરકારમાં છીએ ત્યાં લોકોના મનની વાત સાંભળીએ છીએ અમારી વાતો કરતાં નથી. અમારૂં કામ તમારા હુકમને પુરા કરવાનું છે તમને હુકમ આપવાનું કે લાઈનમાં લગાવવાનું નહીં.