નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ઉંડી શોધખોળ ચાલી રહી છે ત્યારે જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે. ઉરીના માસ્ટરમાઇન્ડ મસુદ અઝહરે સીઆરપીએફ હુમલા માટેનું કાવતરું ઘડ્યું હતું.
હુમલાની જવાબદારી લેનાર ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદ તરફથી એક ત્રાસવાદીનો ફોટો પણ જારી કરવામાં આવ્યો છે જેને હુમલા માટે જવાબદાર ગણવામાં આવ્યો છે જે આતંકવાદીના આ હુમલામાં સામેલ હોવાની બાબત સપાટી ઉપર આવી છે તે પુલવામાના કાકાપોરા વિસ્તારનો નિવાસી છે. પુલવામાના વકાસ નામના શખ્સે આ હુમલાનો અંજામ આપ્યો હતો. જૈશે મોહમ્મદના અફઝલ ગુરુ ટોળકીનું નામ આમા ખુલ્યું છે. જૈશે હુમલાની જવાબદારી સ્વીકારીને આતંકવાદી આદિલ અહેમદ દારનો ફોટો જારી કર્યો છે. પુલવામાના હુમલામાં આજે ૩૦થી વધુ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. જુદી જુદી ટીમો દ્વારા ઉંડી તપાસ ચાલી રહી છે ત્યારે આ હુમલો કરાતા દેશભરમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. જમ્મુ કાશ્મીરના જૈશના અફઝલ ગુરુ ટોળકી દ્વારા વિતેલા વર્ષોમાં પણ હુમલા કરવામાં આવી ચુક્યા છે.