વિશ્વમાં સૌ પ્રથમ જ્ઞાનનો સૂર્ય જ્યાં ઉદિત થયો તે આર્યાવર્તની મહાન ભૂમિ ધન્ય છે. પરમાત્મા દ્વારા પ્રાપ્ત જ્ઞાનને સ્વાનુભવ દૃષ્ટિથી ઝીલીને આપણા પ્રાચીન ઋષિઓએ માનવને સભ્યતાના આભૂષણ પહેરાવીને અંતતઃ આત્મકલ્યાણ તરફ દોરી જતાં શાસ્ત્રોની રચના કરી. શાસ્તિ ચ ત્રાયતે ઈતિ શાસ્ત્રમ્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર ! માનવ જીવનની બધી જ ભાવનાઓ અને ક્રિયાઓને નિયંત્રિત કરી સમુન્નત જીવન જીવાડતાં શાશ્વત સુખનાં મૂળસમાં આ શાસ્ત્રો ભારતવર્ષનો અમૂલ્ય નિધિ છે.
આમ, ઉચ્ચ જીવન તરફ પ્રગતિ સાધવાની વાત હોય કે પછી સંશયોના અંધકારમાંથી બહાર નીકળવાની ઇચ્છા હોય, દૈનિક વિધિવિધાનોની પૂર્ણતાનો પ્રસંગ હોય કે પછી જીવનનું અંતિમ લક્ષ્યનિર્ધારણ હોય, સાધક માટે સાધનાનો આરંભ હોય કે સિદ્ધનું આદર્શ જીવન હોય, ભારતીય સનાતન શાસ્ત્રોએ સર્વને યથાયોગ્ય માર્ગદર્શન આપ્યું છે.
આ સનાતન શાસ્ત્રોમાંથી અધ્યાત્મના પૂર્ણ તેજથી આલોકિત વિવિધ કળાઓ અને વિજ્ઞાનની શાખા-પ્રશાખાઓ સમગ્ર વિશ્વમાં પ્રસરવા લાગી. ભારતીય શાસ્ત્રોની શક્તિ અને તેના આધારે જીવનયાપન કરતી પ્રજાની સમૃદ્ધિએ વિદેશીઓને પણ આકર્ષ્યા. તેઓ જાણ્યું કે ભારતની સમૃદ્ધિનું મૂળ તેનાં શાસ્ત્રો છે. આમ વિદેશીઓ દ્વારા શાસ્ત્રોનો અભ્યાસ હાથ ધરાયો. તેનું વૈજ્ઞાનિક રીતિથી મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમાં પણ વૈદિક સાહિત્ય સમગ્ર વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય સિદ્ધ થયું. પરિણામે ધર્મ અને અધ્યાત્મ માર્ગનું કેન્દ્ર ભારત હતું તે સૌને સ્વીકારવું પડ્યું. કેટલાક પાશ્ચાત્યવાદીઓને આ ન ગમ્યું. કેટલીકવાર બળથી તો કેટલીકવાર છળથી ભારતવર્ષના આ પ્રાચીન જ્ઞાનવારસાને હીન અને ખોટા ઠરાવવાના પ્રયત્નો થવા લાગ્યા. તેમની પ્રમાણભૂતતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. હજાર વર્ષની ગુલામીની મજબૂત સાંકળમાં બંધાયેલ આપણો દેશ તેનો વિરોધ કરવા અને શાસ્ત્રોના ગૌરવને રક્ષણ આપવા અસક્ષમ હતો. આનું પરિણામ માઠું આવ્યું. પાશ્ચાત્ય વિદ્વાનો અને તત્ત્વચિંતકોએ તથા તેમના રંગે રંગાયેલા કેટલાક ભારતીય વિદ્વાનોએ પણ શાસ્ત્રોના વિચિત્ર અને વિકૃત અર્ધઘટનો પ્રસ્તુત કર્યા. કાલાંતરે તે જ લખાણો પુસ્તક સ્વરૂપે વંચાતાં ગયાં, ભણાવાતાં ગયાં અને ભારતીયોના માનસમાં ઠંસાવાતાં ગયાં.
પરંતુ આવું કરનારા ભૂલી જાય છે કે ભારતવર્ષમાં ઇતિહાસ લખવાની પરિપાટી કોઈ એક ભૂમિ કે દેશ સાથે સંકળાયેલ નથી. ભારતવર્ષમાં નાશવંત વસ્તુઓ કરતા શાશ્વત વસ્તુઓના વર્ણન પર વધુ ભાર મુકાયો હતો, માત્ર સો-બસો વર્ષો નહીં પણ સૃષ્ટિના આરંભથી ભારતીયો ઇતિહાસની નોંધ રાખતા આવ્યા છે. આજે પણ શુભ કર્મોમાં સંકલ્પ વિધિમાં આ પ્રચલિત છે. અદય બ્રાહ્મણોદ્રવિતચર્યાધે આમાં સૃષ્ટિના આદિકાળથી આજ દિન અરે અત્યારના સમય સુધીનું ચોક્કસ અનુસંધાન રખાય છે. સૃષ્ટિના આરંભથી સ્થિર ગ્રહો અને નક્ષત્રોને આધાર માનીને કાળગણના કરતા ઋષિઓ વેદોત્તરકાલીન ગ્રંથોમાં પણ વિવિધ રાશિઓમાં ગ્રહોની સ્થિતિ, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના ચોક્કસ સમય નોંધવાનું ચુક્યા નહોતા.
આ સૌ શાસ્ત્રોમાં નોંધાયેલા કાળગણનાની ચરમ સીમા વચનામૃત ગ્રંથમાં સાંપડે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત ગ્રંથ આજે પણ જીવંત છે. સમગ્ર વિશ્વમાં લાખો લોકો તેનો નિત્ય પાઠ કરે છે અને તેમાંથી દિવ્ય પ્રેરણાઓ પ્રાપ્ત કરે છે. માત્ર ભારતીઓ ને જ નહીં પરંતુ પાશ્ચાત્ય ઇતિહાસકારોને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી શકે એટલી સૂક્ષ્મ ઐતિહાસિક વિગતો વચનામૃત ગ્રંથમાં ઉલ્લિખિત છે. દરેક ઉપદેશની નિશ્ચિત તારીખ સાથે નોંધાયેલ ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત ગ્રંથ વિશ્વ ઇતિહાસના વિશાળ પટ પર ઉત્કીર્ણ કાળજયી શિલાલેખ છે. હવે પછીની લેખમાળામાં આપણે વચનામૃતની અદ્વિતીય વિશેષતાઓને જાણીશું. તેમજ આ ગ્રંથ આપણા દૈનિક જીવનમાં કેવી રીતે પ્રેરણા આપી શકે, તે વિષય ઉપર પણ વિવિધ પાસાંઓનું આલેખન કરવામાં આવશે.(ક્રમશઃ)