વાઘોડિયા પાસે ૧૪ દિવસમાં ૫ પશુના મારણ, વાઘ કે દીપડો વનવિભાગની ટીમ મૂંઝવણમાં

888

વડોદરાના વાઘોડિયા તાલુકામાં છેલ્લાં ૧૪ દિવસમાં હિંસક વન્ય પ્રાણી દ્વારા મારણની પાંચ ઘટના બની છે. અગાઉ સાંગાડોલ, પોપડીપુરા, ફલાડ, દંખેડા ગામ બાદ આજે ફરી સાંગાડોલ ગામે બળદને ફાડી ખાઘો છે. જોકે, બળદનું મારણ કરનાર દીપડો કે વાઘ ? તે ચર્ચા ટોક ઓફ ધી ટાઉન છે.

વાઘોડિયા તાલુકામાં છેલ્લાં ૧૪ દિવસમાં હિંસક વન્ય પ્રાણીએ વિવિધ સ્થળે ઊપરા-છાપરી નવ મારણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાઘોડિયા ટાઉનથી સાતેક કિ.મી.ના અંતરે આવેલા સાંગાડોલ ગામની સીમના ખેતરમાં બળદના મારણનો બનાવ બન્યો છે. હિંસક વન્ય પ્રાણીએ બળદનો શિકાર કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાંગાડોલ ગામમાં રહેતાં ઉદેસિંહ બારીયાએ વરંડામાં બાંધેલા બાળદનો ગળાના ભાગથી હિંસક વન્ય પ્રાણીએ શિકાર કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં વન-વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગની ટીમ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા વન્ય પ્રાણીના પંજાના નિશાન મળી આવ્યાં હતાં. પંજાના નિશાન અગાઉ પાંચ ઘટના સ્થળે મળેલા પંજાના નિશાનથી અલગ હોવાનું વાઘોડિયા રેન્જના ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરનું કહેવું છે.

આ ઘટના બાદ સાંગાડોલ ગામમાં બે પાંજારા મુકવામાં આવ્યાં છે. બીજી તરફ, ગ્રામજનો સહિતના લોકોમાં ચર્ચાઈ રહયું છે કે, બળદનો શિકાર વાઘે કર્યો છે. વન-વિભાગના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, મહિસાગરના જંગલથી વાઘ વાઘોડિયા આવી શિકાર કરે તે શક્યતા ઓછી છે. બળદનો શિકાર કરનાર વન્ય પ્રાણીની ઓળખ કરવા અમે પીઓપીથી પગલાના નિશાન લેવાની તજવીજ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, સાંગાડોલ ગામના બે સહિત પોપડીપુરા, ફલાડ, દંખેડા ગામમાં મારણના બનાવ નોંધાયેલાં છે.

વાઘોડિયા તાલુકાની દેવ નદીની આસપાસ આવેલા ગામોમાં છેલ્લા ૧૪ દિવસમાં ૫ પશુના મારણ કરનાર પ્રાણી દીપડો છે કે વાઘ છે, તેની ખરાઈ કરવા માટે વનવિભાગની ટીમ દેવ નદીની આસપાસના ૧૦ કિ.મી.ના વિસ્તારમાં આજે નાઇટ વિઝન કેમેરા લગાવવાનું કામ શરૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, વન્ય પ્રાણીએ ગુરુવારે વહેલી સવારે વાઘોડિયાના સાંગાડોલ ગામમાં બળદનું મારણ કર્યું હતું, ત્યારબાદ ગ્રામજનોમાં મારણ કરનાર પ્રાણી વાઘ હોવાની વાત વહેતી થતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે.

મારણની જગ્યા પરથી પંજાની મળેલી છાપ દીપડાના પંજાની છાપ કરતાં થોડી મોટી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેના કારણે વિનોદ ડામોરે અન્ય વનઅધિકારીને આ અંગે પૂછતાં તેમને જાણવા મળ્યું કે, હ્રુષ્ટપુષ્ટ દીપડાની પંજાની સાઇઝ થોડી મોટી હોઈ શકે છે. આ પ્રકારની પંજાની છાપ અગાઉ પણ મળી હોવાનું જાણવા મળતાં વનવિભાગની ટીમ મૂંઝવણમાં મૂકાઈ છે.

Previous articleકેનેડા સેટ કરવાની લાલચ આપી ૫ પટેલ પરિવારના ૪૫ લાખ લઈ ગઠિયો ફરાર
Next articleગાંધીનગરના વાવોલમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો