સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે. તો સાથે સાથે ગુજરાત બોર્ડની ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની પણ આજથી શરૂઆત થઈ છે. ગુજરાત બોર્ડના દોઢ લાખથી વધુ અને સીબીએસઇના બાર લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઆપી રહ્યા છે. પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક ઉત્તેજના અને સહેજ ટેન્શનની લાગણી જોવા મળી હતી. સમગ્ર દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોઈને તમામ રાજ્યો અને સેન્ટ્રલ બોર્ડને પણ વહેલી પરીક્ષાઓ યોજવાની સૂચના આપવામાં આવી હતી. સૌ પ્રથમ આજે સીબીઆઈ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વોકેશનલ કોર્સની પરીક્ષા શરૂ થઈ છે. જે પૂરી થયેથી તા.૫મી માર્ચથી મુખ્ય વિષયોની પરીક્ષા લેવાશે. એ જ રીતે આજથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ ગુજરાત બોર્ડની પ્રાયોગિક પરીક્ષા પણ આજથી શરૂ થઈ છે. ત્યારબાદ મુખ્ય વિષયોની પરીક્ષાનો આરંભ આગામી તા.૭મી માર્ચથી થશે. આજની પરીક્ષામાં કુલ ૩૭૭ પરીક્ષા કેન્દ્રો નિયત કરાયાં છે. જેમાં ૧.૫૭ લાખ વિદ્યાર્થી પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા છે. તા.૨૫ ફેબ્રુઆરી સુધી આ પરીક્ષા બે શિફ્ટમાં ચાલશે. અત્યાર સુધી આ પરીક્ષા શાળા કક્ષાએ લેવાતી હતી. આ વર્ષે પહેલી વાર બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. જેમાં પરીક્ષા પૂરી થયાના એક કલાકની અંદર જ જે તે વિદ્યાર્થીના જે તે પેપરના માર્ક ઓનલાઇન બોર્ડને મોકલવાનું ફરજિયાત કરાયું છે. પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ શિક્ષક સહિત બોર્ડ દ્વારા નક્કી કરાયેલા પરીક્ષકો દ્વારા લેવાશે. અમદાવાદ શહેરની કુલ ૨૭ શાળાને પરીક્ષા માટેના સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે. જેમાં શહેરના નવ હજારથી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપી રહયા છે. જયારે અમદાવાદ ગ્રામ્ય કચેરી હેઠળ ગ્રામ્ય ઝોનમાં ૨૨ કેન્દ્રોમાં ૬૮૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ ગ્રુપ,બી ગ્રૂપ અને એ-બી ગ્રૂપ આ ત્રણેય ગ્રૂપના વિદ્યાર્થીની પરીક્ષા આજથી શરૂ થઈ છે. પરીક્ષામાં રોજે રોજ પરીક્ષકો બદલાશે-મોનિટરિંગ માટે બહારથી નિરીક્ષકો મુકાયા છે પ્રેક્ટિકલ પરીક્ષા કુલ ૫૦ માર્કની છે. પરીક્ષાને લઇ વિદ્યાર્થીઓમાં સ્વાભાવિક ઉત્તેજનાસહેજ ચિંતાની લાગણી જોવા મળી હતી. ખરૂં ચિત્ર મુખ્ય પરીક્ષા વખતે સામે આવશે.