આત્મઘાતી હુમલા બાદ ગુજરાતમાં સુરક્ષા મજબૂત

709

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલા ઉપર થયેલા હુમલા બાદ દેશભરમાં એલર્ટની સ્થિતિ છે, ત્યારે ગુજરાતમાં પણ હાઇએલર્ટની સાથે સાથે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા એકાએક વધારી દેવાઇ છે. રાજયના ગૃહવિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાને લઇ મહત્વની સૂચનાઓ જારી કરી દેવાઇ છે. રાજયના સોમનાથ મહાદેવ, દ્વારકા, અંબાજી સહિતના યાત્રાધામો, રેલ્વે સ્ટેશનો, એસટી બસ સ્ટેશનો સહિતના જાહેર સ્થળોએ ખાસ વોચ રાખવા, સઘન પેટ્રોલીંગ, ચેકીંગ અને સુરક્ષાના નિર્દેશો જારી કરાયા છે, જેને લઇ રાજયભરમાં પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર તૈનાત છે. તો, ગુજરાતના સરહદી અને દરિયાઇ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ ચોકસાઇભરી અને કડક બનાવાઇ છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જવાનોનું પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ સહિતની સુરક્ષા વધુ સઘન અને અસરકારક બનાવી દેવાઇ છે. ગુજરાત બોર્ડરની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા સીમા સુરક્ષા દળ(બીએસએફ)નાં કોર કમાન્ડરની એક મહત્વપૂર્ણ મીટિંગ આજે ગાંધીનગર ખાતે યોજાઇ હતી. ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરનાં આઈજી જી.એસ.મલિકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કચ્છ સહિતની ઉત્તર ગુજરાતની સીમા ઉપર તૈનાત બીએસએફની બટાલિયનનાં કમાડન્ટ હાજર રહ્યા હતા. જેમાં સીમા સુરક્ષા અને સરહદી વિસ્તારમાં પેટ્રોલીંગ, વાહન ચેકીંગ અને શંકાસ્પદ હિલચાલ સહિતના મુદ્દે લોખંડી સલામતી વ્યવસ્થા અને નેટવર્કીંગ ગોઠવવા મુદ્દે સૂચનાઓ જારી થઇ હતી.  બેઠકમાં તાજેતરમાં કચ્છના ક્રીક એરિયામાં થયેલી ઘુસણખોરી અને કચ્છ સીમા ઉપર આયોજીત ભારત-પાકિસ્તાન વચ્ચે મળેલી ત્રણ ફ્‌લેગ મીટિંગને લઇચર્ચા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં એક મરીન સહીત ચાર બીએસએફની બટાલિયન સીમાની સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહી છે. બીજીબાજુ, રાજયના ગૃહવિભાગ અને રાજય પોલીસ તંત્ર દ્વારા પણ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક અને અસરકારક બનાવી દેવાઇ છે. ખાસ કરીને નર્મદા ડેમ અને થોડા સમય લોકાર્પણ કરાયેલી ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા એકાએક વધારી દેવાઇ છે અને વધુ સઘન બનાવી દેવાઇ છે. તો, રાજયના સોમનાથ મહાદેવ, દ્વારકા, અંબાજી સહિતના મોટા યાત્રાધામો અને તીર્થસ્થાનો સહિત રેલ્વે સ્ટેશનો, એસટી-બસ સ્ટેન્ડ અને અન્ય જાહેરસ્થળો પણ ચાંપતો બંદોબસ્ત અને એકેએક શંકાસ્પદ હિલચાલ તેમ જ ગતિવિધિ પર બાજ નજર રાખવાના નિર્દેશો તંત્ર દ્વારા જારી કરી દેવાયા છે. જેને લઇ હાલ રાજયભરમાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક અને અસરકારક જણાઇ રહી છે. ખાસ કરીને સરહદી વિસ્તારોમાંથી પ્રવેશ મેળવનારા તમામ વાહનોનું જોરદાર ચેકીંગ અભિયાન હાથ ધરાયું હતું.

Previous articleઆરટીઇ હેઠળ પ્રવેશને લઇ ઠેકાણાં નથી : વાલીમાં ચિંતા
Next articleરાજયમાં ઉગ્ર અને હિંસક દેખાવો