૧૪ ફેબ્રુઆરીના રોજ જમ્મુ – કાશ્મીરના પુલવામાં ખાતે સફીટ થઈ રહેલા સીઆરપીએફ જવાનોના કાફલા ઉપર કાર સાથે આત્મઘાતી હુમલો કરાતા ૪૪ સૈનિકો શહીદ થયાના બનાવથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે. આ બનાવથી દેશભરના લોકો શોકમાં ગરકાવ થયા છે અને ચારે તરફથી નાપાક પ્રવૃત્તિ કરતા પાકિસ્તાન અને આતકંવાદીઓને જડાતોડ જવાબ આપવાની માંગ ઉઠી રહી છે અને તેજ શહીદ થયેલા જવાનોને સાચી શ્રધ્ધાજંલિ આપી ગણાશે તેવા સુર ઉઠવા પામ્યા છે.
ભારતીય જવાનો ઉપર થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાનો શહીદ થવાના સૌથી મોટા આતંકી હુમલાના કારણે લોકો વ્યથિત થાય છે. ઠેર-ઠેર જવાનોને શ્રધ્ધાંજલિ આપવા તેમજ આતંકવાદીઓ અને પાકિસ્તાનના પુતળા બાળવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વિવિધ રાજકીય પક્ષો, સમાજો અને શાળા-કોલેજો દ્વારા પણ જવાનોને શ્રધ્ધાંજલિ પાઠવાના કાર્યક્રમો યોજાયા હતાં.
ભારત દેશ ઉપર વારંવાર થઈ રહેલા આતકંવાદી હુમલાના કારણે ભારતીય સૈનિકો શહીદ થઈ રહ્યા છે ત્યારે ભાવનગરના સંતો, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ તથા વિવિધ સંસ્થાના આગેવાનોએ ‘લોકસંસાર’ને પોતાની પ્રતિક્રિયાઓ વર્ણવી હતી. જેમાં આતંકીઓના જધન્ય કૃત્યને કોઈ સંજોગોમાં માફ કરી શકાય નહીં તેને તાત્કાલિક જડબાતોડ જવાબ આપી શહિદોની શહાદતનો બદલો લેવો જોઈએ અને આ ઘટનામાં કોઈપણ રાજકિય નિવેદનો કર્યા વીના દરેકે એક થઈ આતંકી પ્રવૃત્તિને ડામવા પગલા લેવા જોઈએ તેવો સુર વ્યક્ત કરાયો હતો.