ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનપણમાં ઘણા પડકારો અને મૂશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ઉંચાઇઓ હાંસલ કરી છે. તેમના સંઘર્ષોમાંથી પ્રેરણા લઇને ગુજરાતના ૧૨ વર્ષનો એક બાળક નરેન્દ્ર મોદી બનવાનું સપનું જોવે છે.‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ફિલ્મ મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરતાં ૧૨ વર્ષના એક નાના બાળકની પ્રેરણાદાયક વાર્તા છે, જે અસંભવ સપનાને હકીકતમાં તબદીલ કરવાનો પ્રયાસ કરે છે. ગરીબી અને અભાવમાં રહેવા છતાં પણ આ બાળક ખુશ છે અને દરેક સ્થિતિનો પ્રસન્નતાપૂર્વક સામનો કરે છે. શાળામાં અભ્યાસ કર્યાં બાદ તે ચા વેચે છે અને તેની બહેન પણ આ બાળકને જીવનમાં આગળ વધવા સહયોગ અને પ્રોત્સાહન આપે છે. સખત મહેનત, જુસ્સા અને દ્રઢ નિશ્ચય દ્વારા કોઇપણ વ્યક્તિ જીવનમાં સફળ બનવાના સપના જોઇને તેને સાકાર કરી શકે છે, તે આ ફિલ્મમાં ખુબજ સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. શ્રીઅર્થ પ્રોડક્શન અને કાવ્યા મૂવિઝ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ તથા પ્રોડ્યુસર પવન પોદ્દાર અને તાન્યા શર્માની ફિલ્મ ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’, જેની વાર્તા એક બાળકની આસપાસ ફરે છે. બાળક ચા વેચે છે અને મોટો થઈને નરેન્દ્ર મોદી બનવા માંગે છે.આ ફિલ્મ ૧લી માર્ચના રોજ રિલીઝ થશે. માત્ર ૪૫ દિવસમાં જ ફિલ્મનું શુટિંગ અમદાવાદ, વડોદરા, વડનગર સહિતના સ્થળોએ કરવામાં આવ્યું છે.
ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક નથી પણ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે. જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળપણમાં ખૂબજ સંઘર્ષ કર્યો અને દેશના પ્રધાનમંત્રી બન્યા. આ સંઘર્ષ કથાથી પ્રભાવિત થઈને જ આ ફિલ્મમાં એક બાળકની વાર્તા દર્શાવાઈ છે. બાળક ભલે ચા વેચતો હોય પરંતું તેના સપના મોટા હોય છે. એક બાળક અનેક નકારાત્મક બાબતોની વચ્ચે પણ મોદી જેવો બનવાની લક્ષ્ય રાખે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મારૂ ઇન્સપિરેશન મોદી છે અને મોદી જેવું કોઈ નથી. આ ફિલ્મમાં મોદીનું બાળપણ દર્શાવાયું છે, રાજનીતિ નહી. વાર્તા પર ખૂબજ મહેનત અને રિસર્ચ કરવામાં આવ્યું છે.”
પ્રોડ્યૂસર પવન પોદ્દારે જણાવ્યું હતું કે, “આજે મોટાભાગના બાળકો સલમાન, શાહરૂખ જેવા એક્ટર કે સિંગર બનવા માંગે છે, જ્યારે આ બાળક મોદી જેવી હસ્તી બનવા માંગે છે. અમે આ ફિલ્મ થકી એ સંદેશ આપવા માંગે છે કે આજે પ્રત્યેક ઘરમાં એક બાળક મોદી જેવા બનવાનો નિર્ધાર કરે.”
ફિલ્મમાં મોદીના બાળપણની ભૂમિકા ભજવી રહેલા કરણ પટેલે જણાવ્યું હતું કે, “સેંકડો બાળકો સાથે તેણે પણ ઑડીશન આપ્યું હતું. ત્યારબાદ ફોન આવ્યો કે તમને શોર્ટલીસ્ટ કરાયા છે. આ ફિલ્મ મારા માટે ખૂબજ ચેલેન્જીંગ હતી.” પ્રોડ્યૂસર તાન્યા શર્માએ જણાવ્યું હતું કે, “ફિલ્મમાં મોદીજીની વાર્તા એ રીતે રજૂ કરવામાં આવી છે કે જે જોઇને દર્શકો મોટીવેટ થશે. મને લાગે છે કે આજે દરેક બાળક નરેન્દ્ર મોદી બનવા માંગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાળપણના સંઘર્ષને ફિલ્મના પરદે ઉતારવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીની આ ઈન્સ્પાયરીંગ વાર્તા દેશના દરેક નાગરીક સુધી પહોંચે તે માટે અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
આ ફિલ્મની શુટિંગ અમદાવાદ ,વડોદરા અને સુરતમાં થઈ છે જ્યાં તેમનું બાળપણ વિત્યુ હતું.” ફિલ્મના નિર્દેશક અનિલ નારાયણીએ સેન્સર બોર્ડના વલણને લઈને પ્રશ્ન ઉભો કર્યો હતો. તેમણે સેન્સન બોર્ડના ચિફ પ્રસૂન જોશીનું નામ લઈને કહ્યું હતું કે ફિલ્મ જોયા વિના કોઈ પણ ફિલ્મ વિશે કઈ પણ કહેવું એ ઉચિત નથી. તેમણે જણાવ્યું હતું કે ઘણી મુશ્કેલીઓ પછી ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળી શક્યું છે. ફિલ્મના મુખ્ય કલાકર કરણ પટેલની સાથે ઓનકાર દાસ, અનેશા સૈદય અને આરવ નાયક (છોટા મોદી) જોવા મળશે. ફિલ્મનું સંગીત રાજ ભારતે આપ્યું છે અને ગીતો આરજે રોશને લખ્યાં છે તેમજ દિવ્યા કુમારે કંઠ આપ્યો છે.