શહીદોના સન્માનમાં શહેરમાં શ્રદ્ધાંજલિ-કેન્ડલ માર્ચ કાર્યક્રમ

655

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્‌યા છે.  વીર શહીદ જવાનોના માનમાં અમદાવાદ શહેરમાં શ્રધ્ધાંજલિ, કેન્ડલ માર્ચ, મૌન રેલી, શોકસભા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં સોહરાબજી કમ્પાઉન્ડમાં સિંધી સમાજ દ્વારા, નિકોલમાં પાટીદારો દ્વારા, મરાઠી, શીખ, ખ્રિસ્તી સમાજ સહિતના તમામ લોકોએ દેશભકિત અને એકતા-અખંડિતતાનો પરિચય કરાવી શહીદ જવાનોની શહાદત અને બલિદાનને યાદ કરી અશ્રુભીની આંખે શ્રધ્ધાંજલિ સભા, કેન્ડલ માર્ચ સહિતના શોકાંજલિ કાર્યક્રમો યોજયા હતા. જેમાં શહેરભરમાંથી હજારો નાગરિકો, મહિલા, બાળકો, યુવાઓ, વૃધ્ધો સહિતના નગરજનો સ્વયંભુ જોડાયા હતા. પુલવામાના આંતકવાદી હુમલાને લઇ અને ૪૪ સીઆરપીએફના જવાનોની શહીદીને લઇ લોકોમાં હજુ પણ એક પ્રકારનો જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો બસ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનું નામ દુનિયાના નકશામાંથી મિટાવી દેવાની માંગણી કરતા જ જોવા મળ્યા હતા. આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં તેમજ આંતકવાદી સામે પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે ગઇકાલે અમદાવાદના બજારમાં વેપારીઆલમથી માંડી સામાન્ય લોકોએ સ્વંયભૂ બંધ પાળી શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી. તો, શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને નવા વાડજ વિસ્તારમાં સોહરાબજી કમ્પાઉન્ડમાં સિંધી સમાજના અગ્રણીઓ રમેશભાઇ ગીડવાણી, જવાહર ભાટિયા, હરેશભાઇ વનજાની અને વાસુભાઇ ગોપલાણી સહિતના આગેવાનોના નેજા હેઠળ ૮૦૦થી ૧૦૦૦ લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ યોજી પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો તુમ અમર રહોના નારા લગાવ્યા હતા અને શહીદ જવાનોને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ જ પ્રકારે શહેરના સોલા, ઘાટલોડિયા, એસ.જી.હાઇવે, જીજીસ બંગલા, સેટેલાઇટ, નારણપુરા, નવરંગપુરા, થલતેજ, બોપલ સહિતના પશ્ચિમના વિસ્તારો તેમ જ નિકોલ, નરોડા, મેઘાણીનગર, ઓઢવ, બાપુનગર સહિતના પૂર્વના વિસ્તારોમાં પણ લોકોએ ઠેર-ઠેર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પતા બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કેન્ડલ માર્ચ અને શ્રધ્ધાંજલિ કાર્યક્રમો યોજયા હતા. નિકોલમાં સમસ્ત પાટીદાર સમાજ-સરદાર ધામ દ્વારા એસ.પી.રીંગરોડ પર ભકિત સર્કલની બાજુમાં, રસરાજ જેકપોટ પાર્ટીપ્લોટ ખાતે શહીદ જવાનોના માનમાં બહુ મોટી શ્રધ્ધાંજલિ સભા યોજાઇ હતી., જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉમટયા હતા.    શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ઘાટલોડિયા પોલીસમથકની સામે આવેલા યોગેશ્વર એપાર્ટમેન્ટના મંદિરમાં શહીદ જવાનોના આત્માની શાંતિ માટે શ્રીકૃષ્ણ ભગવાનની પૂજા અને ગીતાજીનું પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદની માફક જ વડોદરા, રાજકોટ, સુરત, આણંદ, ભાવનગર, જામનગર સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ, શ્રધ્ધાંજલિ કાર્યક્રમ અને શોકાંજલિ સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદ સહિત રાજયભરમાં શહીદોને શ્રધ્ધાંજલિ અર્પવા માર્ગો પર ઉતરેલા લોકોમાં હજુ પણ પાકિસ્તાન અને આંતકવાદીઓ પરત્વે ઉગ્ર આક્રોશ ભભૂકતો જોવા મળી રહ્યો છે. આક્રોશિત લોકોએ પાકિસ્તાનનું નામ દુનિયાના નકશામાંથી કોઇપણ ભોગે હવે મિટાવી દેવાની ઉગ્ર માંગણી વ્યકત કરી હતી.  શહેરની દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક ધર્મના લોકોએ આ ઘટનાને સખત રીતે વખોડી હતી અને રોડ પર ઊતરી આવ્યા હતા અને પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

નિકોલમાં શહીદોના નામે લીમડા સહિતના વૃક્ષારોપણ કરી તેમને હંમેશા યાદ રાખવાનો અનોખો પ્રયાસ થયો હતો. રોષે ભરાયેલા લોકોએ પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને પગ નીચે રગદોળવાના વિરોધદર્શક કાર્યક્રમો પણ યોજયા હતા.

Previous articleસાબરકાંઠા બેંક ધ્વારાશહીદ થયેલ જવાનોને શ્રધ્ધાંજલી અપાઈ
Next articleદહેગામમાંથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો