કાર-ઓટો વોશિંગના ગેરેજની પાસેના રૂમમાં મુકેલો વિદેશી દારૂનો જથ્થો ડી જી વિઝીલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. રૂપિયા ૫.૯૦ લાખ કિંમતની કુલ ૧૬૮૬ નંગ બોટલ સાથે બે શખસોની ધરપકડ કરીને વધુ તપાસ માટે સેક્ટર-૭ પોલીસને સોંપવામાં આવ્યા છે. દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોણ લાવ્યું હતું સહિતની તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસવડા દ્વારા વિદેશી દારૂના વેચાણ કરનારાઓને ઝડપી લેવાના આદેશ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના તાબામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.
ડી. જી. વિઝિલન્સની ટીમના ડીવાયએસપી જ્યોતિબેન પટેલને મળેલી બાતમીના આધારે સેક્ટર-૪માં આવેલા કાર ઓટો વોશિંગ ગેરેજની પાસેના રૂમમાંથી વિદેશી દારૂનું ગોડાઉન પકડી પાડ્યું છે.
વિજિલન્સની ટીમે રૂપિયા ૫.૯૦ લાખ કિંમતની કુલ ૧૬૮૬ નંગ બોટલ ઝડપી પાડી છે. દારૂનો જથ્થો જે સ્થળે ઉતારવામાં આવ્યો હતો તેના માલિક તેમજ તે જગ્યાને ભાડે રાખનાર ભાડુઆત સહિત બેની ધરપકડ કરીને વધુ તપાસ માટે સેક્ટર-૭ પોલીસને સોંપવામાં આવ્યા છે.
ગેરેજની પાસેના મકાનની પાસે જીજે-૧-કેએચ-૪૦૫૩ નંબરની ફોક્સ વેગન પોલો ગાડીમાં પણ વિદેશી દારૂ રાખ્યો હતો. ડીજી વિઝીલન્સના દસ કર્મચારીઓને સાથે રાખી રેડ પાડી હતી. મકાનનું તાળું માર્યું હોવાથી તેને તોડતી વખતે સ્થાનિક પોલીસ સેક્ટર-૭ના પીઆઇ જીગર મેવાડાને પાસે રાખ્યા હોવાનું ડીવાયએસપી જ્યોતિબેન પટેલે જણાવ્યું છે.
દારૂના જથ્થાને ઝડપી પાડ્યા બાદ તેની ગણતરી સહિતની તમામ કાર્યવાહી કરતા ડી.જી.વિઝીલન્સની ટીમને અંદાજે ૧૨ કલાકનો સમય લાગ્યો હતો. વિદેશી દારૂની સાથે વિજીલન્સની ટીમે મકાનના માલિક અને પ્લોટ નંબર ૨૫૨/૧, સેક્ટર-૪-એ ખાતે રહેતા ઘનશ્યામ નારણભાઇ પટેલ અને જગ્યાને ભાડે રાખનાર પોર ગામમાં રહેતા શંકરભાઇ રામજીભાઇ ચૌધરીની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજો ભાડુઆતને પકડવાની કાર્યવાહી તેજ કરી છે.